કોંગ્રેસનાં કહેણની રાહ જોતા ‘પાસ’ના આગેવાનોનું દિલ્હીમાં રોકાણ

અમદાવાદ: પાટીદાર સમાજને ઓબીસી અનામત આપવાના મુદ્દે ગઇ કાલ સવારથી દિલ્હી ગયેલા પાસ અગ્રણીઓની કોંગ્રેસ હાઇકમાન્ડ સાથેની પૂર્વ નિર્ધારિત બેઠક યોજાઇ ન હતી. દિવસભર કોંગ્રેસ અને પાસ વચ્ચેની બેઠકની ચર્ચા ચાલી હતી, જોકે આ બેઠક ટલ્લે ચઢતાં પાસ દ્વારા કોંગ્રેસને આજે રાતના ૧૧-૦૦ વાગ્યા સુધીનો સમય અપાયો છે. ત્યાં સુધી કોંગ્રેસ તરફથી બેઠકનું આમંત્રણ અપાય તેવી રાહ જોવાનો દાવો પાસ દ્વારા કરાયો છે.

કોંગ્રેસના પ્રદેશ હાઇકમાન્ડ તરફથી પાસના રાષ્ટ્રીય કન્વીનર હાર્દિક પટેલને શુક્રવારે દિલ્હી ખાતે પાટીદાર અનામત અંગે ચર્ચા-વિચારણા કરવા યોજાનારી બેઠકમાં પાસને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ અપાતાં ગઇ કાલે સવારના ૭-૦૦ વાગ્યાની ફલાઇટ પકડીને પાસના ચાર અગ્રણીઓ દિલ્હી ગયા હતા.

પાસની કોર કમિટીની ટીમના દિનેશ બાંભણિયા, લલિત વસોયા, મનોજ પનારા અને કિરીટ પટેલ અનામત અંગે ચર્ચા કરવા દિલ્હીના ગુજરાત ભવનમાં ઊતર્યા હતા, પરંતુ ગુજરાત ભવનમાં બેઠક માટે રાહ જોઇને બેઠેલા ચારેય અગ્રણીઓને કોંગ્રેસ હાઇકમાન્ડ તરફથી સમગ્ર દિવસભર કોઇ આમંત્રણ અપાયું નહોતું, જેના કારણે દિનેશ બાંભણિયા દ્વારા કોંગ્રેસને અનામત મુદ્દે સ્પષ્ટતા કરવા ર૪ કલાકની મુદત અપાઇ હતી.

જો આ સમયગાળામાં કોંગ્રેસ પાસ સાથે બેઠક યોજીને પાટીદાર સમાજને ઓબીસી અનામત આપવાના મામલે પોતાની નીતિની જાહેરાત નહીં કરે તો પાસ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી પણ તેમણે આપી હતી, પરંતુ હાર્દિકના કથિત વીડિયોકાંડ બાદ કોંગ્રેસે પાસથી અંતર જાળવતા કોંગ્રેસે અનેક ચર્ચા ઊઠી છે.

પાસ દ્વારા ચૂંટણીમાં ઓછામાં ઓછી ૧૦ ટિકિટની પણ માગણી કરાતાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આ મામલે પણ નિર્ણય લેવાનો હતો, જોકે પાસના ઉમેદવારોની યાદીના મામલે પણ કોકડું ગૂંચવાયું હતું. કોર કમિટીના સભ્ય લલિત વસોયા કહે છે, હજુ અમે ગુજરાત ભવનમાં જ રોકાયા છીએ. કોંગ્રેસના આમંત્રણની પ્રતીક્ષા કરીએ છીએ, પરંતુ પાસ આજે રાતના ૧૧-૦૦ વાગ્યા સુધી રાહ જોશે. ત્યાર બાદ પાસ આગળની રણનીતિ ઘડશે.

દરમિયાન કોંગ્રેસના કહેણની રાહ જોઇને ગુજરાત ભવનમાં ‘અઠ્ઠે દ્વારકા’ કરીને બેસેલા પાસના અગ્રણીઓએ આજે રાતના ૧૧-૦૦ વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે, પરંતુ પાસ અને કોંગ્રેસ માટે એકબીજાની અવગણના કરવી પોસાય તેમ નથી તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.

આ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ગઇ કાલે રાત્રે અમદાવાદ પરત ફર્યા છે, પરંતુ પાસ સાથેની બેઠક સંદર્ભે તેમની સાથે કે અન્ય કોંગ્રેસી અગ્રણી સાથે કોઇ સંપર્ક થઇ શક્યો નથી. આ ઉપરાંત કોંગ્રેસની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોની યાદી આજે મોડી રાત સુધી પ્રસિદ્ધ થવાની શકયતા છે.

You might also like