અમદાવાદીઅોનું ‘ટેસ્ટ મેચ’ જેવું સ્લો મતદાન, પ્રથમ ત્રણ કલાકમાં સરેરાશ ૧૫ ટકા મતદાન

અમદાવાદ: ગુજરાતના ભાવિ માટે નિર્ણાયક બનેલો વિધાનસભાની ચૂંટણીનો જંગ આજે બીજા અને છેલ્લા તબક્કામાં પ્રવેશી ચુક્યો હોઇ સમગ્ર દેશની નજર તેના પર મંડાયેલી છે. પ્રથમ તબક્કાના ગયા શનિવારના ઓછા મતદાન બાદ આજના બીજા તબક્કાના મતદાન અંગે અનેક પ્રકારના તર્કવિતર્ક થતા હતા.

આજે સવારે ૮ વાગે શરૂ થયેલા મતદાનમાં રાજ્યનાં અન્ય વિસ્તારોની સરખામણીમાં અમદાવાદીઓએ ઓછો ઉત્સાહ દાખવ્યો હતો. અમદાવાદમાં ધીમી શરૂઆત થઇ હતી અને સવારના પ્રથમ ત્રણ કલાક દરમ્યાન આશરે ૧૦ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં મતદાનની ટકાવારી ૧પ થી ર૦ ટકા જેટલી રહી હતી.

રાજકીય પક્ષોએ અમદાવાદ સહિતના વિસ્તારોમાં મતદારોને મતદાન મથક સુધી પહોંચતા કરવા કાર્યકરોને દોડતા કરી દીધા હતા. ગુજરાતના ભાગ્યનો ફેંસલો આજે ર.રર કરોડથી વધુ મતદારો કરી રહ્યા હોઇ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત વડાપ્રધાનના પદેથી રાણીપમાં, ભાજપના પ્રદેશ અધ્યક્ષ અમિત શાહે નારણપુરામાં, કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ વેજલપુરમાં, પૂર્વ નાયબ વડા પ્રધાન અને ભાજપના વરિષ્ઠતમ નેતા એલ.કે. અડવાણીએ શાહપુરમાં, પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ઘાટલોડિયામાં મતદાન કર્યું હતું.

વડા પ્રધાન મોદીનાં માતા હીરાબાએ ૯પ વર્ષની ઉંમરે ગાંધીનગર ખાતે ઉત્સાહભેર મતદાન કર્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ગાંધીનગર ખાતે મતદાન કર્યું હતું. જ્યારે કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ અને શૈલેશ પરમારે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આજે સવારે બે કલાકમાં અમદાવાદ જિલ્લામાં ૯.૬૦ ટકા મતદાન નોંધાયું હતું. બાપુનગરમાં સૌથી વધુ ૧૩.૦૪, એલિસબ્રિજમાં ૧ર.૩ર, દરિયાપુરમાં ૧ર.પ૭, જમાલપુર- ખાડિયામાં ૧૨.૩૪,નારણપુરામાં ૧ર.૪૦, દાણીલીમડામાં૧૦.૯ર, અસારવામાં ૧૦.૪૯,નિકોલમાં ૧૦.૭૭, ઘાટલોડિયામાં ૭.૮ર, વેજલપુરમાં ૭.૬૬, વટવામાં ૯.૩૪, નરોડામાં ૮.૯૬, ઠક્કરબાપાનગરમાં ૮.૯૯, અમરાઇવાડીમાં ૯.૬૧, મણિનગરમાં ૯.૪૬, સાબરમતીમાં ૯.૪૩ ટકા મતદાન નોંધાયું હતું. જયારે ગ્રામ વિસ્તારની વીરમગામની બેઠક પર ૭.૪પ, સાણંદમાં ૮.૧પ, દસ્ક્રોઇમાં ૮.૩૩, ધોળકામાં ૯.૦ર અને ધંધૂકામાં ૭.૮૭ ટકા મતદાન નોંધાયું હતું.

વટવાના બૂથ નંબર ૧૮૪ અને વિરમગામના બૂથ નંબર ૨૩૯માં મતદાન વિલંબમાં પડવાથી મતદારોમાં રોષ ફેલાયો હતો. જ્યારે અમદાવાદ જિલ્લાના ૫થી ૬ મતદાન મથકે પણ ઇવીએમ ખોટકાયા હોવાના સમાચાર મળ્યા છે. જો કે જિલ્લા વહીવટી તંત્રનો અા તમામ ફરિયાદોનું તત્કાલ નિકાલ કર્યો હોવાનો દાવો છે.

આજના બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર અને મધ્ય ગુજરાતની બેઠક માટે મતદાન થઇ રહ્યું હોઇ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા, રાજ્ય પ્રધાન શંકર ચૌધરી, પૂર્વ પ્રધાન જયનારાયણ વ્યાસ, ઠાકોર સેનાના નેતા અને કોંગ્રેસના રાધનપુરના ઉમેદવાર અલ્પેશ ઠાકોર, વડગામથી ચૂંટણી જંગમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઝુકાવનાર જિજ્ઞેશ મેવાણી, વિધાનસભામાં વિપક્ષના નેતા મોહનસિંહ રાઠવા વગેરે દિગ્ગજોના ભાવિ આજે ઇવીએમમાં કેદ થઇ ગયાં છે.

આ દિગ્ગજો સહિત કુલ ૮પ૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઊતર્યા છે. જેમાં ૭૮ર પુરુષ અને ૬૯ મહિલા ઉમેદવાર છે. મહેસાણામાં સૌથી વધુ ૩૪ અને ઝાલોદમાં સૌથી ઓછા બે ઉમેદવાર છે.

અમદાવાદ શહેર ગ્રામ્ય વિસ્તારમાં પર.૭પ લાખથી વધુ મતદાર સહિત આજે રાજ્યના કુલ ર,રર,૯૬,૮૬૭ મતદાર મતદાન કરશે. જેમાં ૧,૧પ,૪૭,૪૩પ પુરુષ અને ૧,૦૭,૪૮,૯૭૭ મહિલા મતદાર છે. ઘાટલોડિયામાં સૌથી વધુ ૩,પર,૩૧૬ મતદાર અને લીમખેડામાં સૌથી ઓછા ૧,૮૭,ર૪પ મતદાર છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજના બીજા અને છેલ્લા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા રપ,પ૭પ મતદાન મથક ઊભાં કરાયાં છે. તેમજ ૧,રપ,ર૭૧ જેટલા કર્મચારી અને અધિકારી ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા છે. ૧,૭૪,૮૪ર પોલીસ સ્ટાફને પણ સુરક્ષા બંદોબસ્ત માટે તહેનાત કરાયા છે.

પ્રથમ તબક્કામાં મતદાનમાં સંખ્યાબંધ ઇવીએમ મશીન ખોટકાયાની ફરિયાદ મળ્યા બાદ ચૂંટણી પંચે આ તમામ મતદાન મથક માટે ૪૦,૦ર૭ બેલેટ યુનિટ ૩ર,૬૩૩ કંટ્રોલ યુનિટસ અને ૩પ,૦૬૧ વીવીપેટ તૈયાર રાખ્યા છે આ ઉપરાંત પ૭ ટકા બેલેટ યુનિટ, ર૮ ટકા કંટ્રોલ યુનિટ અને ૩૭ ટકા વીવીપેટ રિઝર્વ રખાયાં છે.

અમદાવાદ જિલ્લા માટે ૪૦,૮૪૧ કર્મચારી અધિકારી ફરજ બજાવી રહ્યા છે જેમાં ૬,૦૦૭ પ્રિસાઇડિંગ ઓફિસર, ૧૧,૧રર પોલીસ ઓફિસર ૮,૭૩૬ મહિલા પોલીસ ઓફિસર અને પ,૪પ૧ બૂથ લેવલ ઓફિસરનો સમાવેશ થાય છે. શહેરની સોળ અને ગ્રામ્ય વિસ્તારની પાંચ સહિતની કુલ ર૧ બેઠક માટે સમગ્ર રાજ્યમાં અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધુ ર૪૯ ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

જેમાં સૌથી વધુ રર ઉમેદવાર વીરમગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સાણંદમાં ૧૪, ઘાટલોડિયામાં ૧૩, વેજલપુરમાં ૧ર, વટવામાં ૧૬, એલિસબ્રિજમાં ૮, નારણપુરમાં ૧૦, નિકોલમાં ૧૪, નરોડામાં ૧૦, ઠક્કરબાપાનગરમાં ૧૦, બાપુરનગરમાં ૧૬, અમરાઇવાડીમાં ૧૧, દરિયાપુરમાં ૧૧, જમાલપુર-ખાડિયામાં ૧૦, મણિનગરમાં ૭, દાણીલીમડામાં ૬ સાબરમતીમાં ૧૧, અસારવામાં ૯, દસ્ક્રોઇમાં ૧૦, ધોળકામાં ૧૩ અને ધંધૂકામાં ૧૬ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.

શહેરના મતદાનનું સૌથી વધુ રસપ્રદ પાસું યુવા મતદારોનું છે. યુવાનીના ઉંબરે પગ મૂૂકીને ૬૬,૮૯૩ યુવાઓ પોતાના જીવનમાં પ્રથમવાર મતદાન કરવાના છે. જ્યારે રાજ્યમાં ૧૮થી રપ વય જૂથના ૩૯.૩૭ લાખથી વધુ યુવા મતદાર છે. જોકે ર૬થી ૪૦ વય જૂથના સૌથી વધુ ૮૦.૯૧ લાખ મતદાર છે.

૬૦થી વધુ વય જૂથના સૌથી ઓછા ૩૦.પ૧ લાખ મતદાર છે. રાજ્યમાં કુલ ૭.૭૪ લાખ દિવ્યાંગ મતદાર નોંધાયા હોઇ તે પૈકી અમદાવાદ જિલ્લામાં બે લાખથી વધુ દિવ્યાંગ મતદાર છે. ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના અમદાવાદ જિલ્લામાં ૬૬૩ મતદાર છે.

છેલ્લી ર૦૧રની ચૂંટણીમાં બીજા તબક્કામાં મતદાનમાં અમદાવાદ જિલ્લામાં ૬૯.૧૬ ટકા મતદાન થયું હતું. અમદાવાદ અને દાહોદને બાદ કરતાં તમામ જિલ્લામાં ૭૧થી ૭પ ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું. પહેલા તબક્કામાં ર૦૧રની સરખામણીમાં ચારેક ટકા જેટલું ઓછું મતદાન થયું હોઇ આજના મતદાનની ટકાવારી અંગે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક ઊઠયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત શનિવારે યોજાયેલી પ્રથમ તબક્કાની ૮૯ બેઠકનું મતદાન અને આજ સાંજે બીજા અને છેલ્લા તબક્કાની કુલ ૯૩ બેઠકનું મતદાન સંપન્ન થયા બાદ ગુજરાત વિધાનસભાની કુલ ૧૮ર બેઠકની હારજીતનાં ફેંસલા માટે આગામી સોમવાર તા.૧૮ ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશેે

You might also like