વધુ પડતા વિટામિન્સ પણ શરીર માટે જોખમી

કહેવાય છે કે અતિની ગતિ નહીં, આ વાત વિટામિન્સ અને મિનરલ્સની બાબતમાં પણ લાગુ પડે છે. શરીરને જરૂરી હોય તેવાં પોષકતત્ત્વો વધુ પ્રમાણમાં લેવાય તો તે હાનિકારક બને છે. વધુ પ્રમાણમાં લેવાયેલાં પોષકતત્ત્વોનો શરીર ક્યારેક પોતાની રીતે જ નાશ કરે છે, પરંતુ હંમેશાં તે શક્ય બનતું નથી. આથી વધુ પ્રમાણમાં શરીરમાં સંગ્રહાયેલાં પોષકતત્ત્વો નુકસાન કરે છે. સ્વિડનમાં થયેલા એક સંશોધનમાં જણાયું છે કે નિયમિત વિટામિન સીના હાઈ ડોઝ લેનાર વ્યક્તિને કિડનીમાં પથરી થવાનો ખતરો બેવડાઈ જાય છે.

વિટામિન વોટર સોલ્યુબલ અને ફેટ સોલ્યુબલ એમ બે પ્રકારના હોય છે. વોટર સોલ્યુબલ વિટામિન પાણીમાં ઓગળી જાય છે. વિટામિન એ, ઇ અને કે ફેટ સોલ્યુબલ વિટામિન છે. તે સિવાયના બધા વિટામિન વોટર સોલ્યુબલ હોય છે.
આપણા શરીરને ખૂબ જ ઓછા પ્રમાણમાં વિટામિનની જરૂર પડે છે. આપણે જો વોટર સોલ્યુબલ વિટામિન વધુ પ્રમાણમાં લઇએ તો શરીર જરૂરી વિટામિન ગ્રહણ કરીને બાકીના યુરિન વાટે બહાર ફેંકી દે છે, પરંતુ જો ફેટ સોલ્યુબલ વિટામિન વધુ માત્રામાં લઇએ તો તે બહાર નીકળતા નથી અને ચરબી સાથે ભળી શરીરને નુકસાન પહોંચાડે છે. નિયમિત રીતે વિટામિનની ટેબ્લેટના હાઇ ડોઝ લેવામાં આવે તો સમય જતાં પથરીનો પ્રોબ્લેમ થઇ શકે છે. દરેક વ્યક્તિને જોકે એક સરખી અસર થતી નથી, પરંતુ ઓછી કે વધારે અસર તો થાય જ છે.

જો શરીરમાં વિટામિન ડાયટરી ફોર્મમાં લેવામાં આવે તો તેનાથી કોઈ તકલીફો થતી નથી. એટલે કે ખાદ્ય પદાર્થોમાંથી મળતા વિટામિનની માત્રા જો વધી જાય તો કંઇ જ પ્રોબ્લેમ થતો નથી, પરંતુ જ્યારે આપણે તે વિટામિન્સ સપ્લિમેન્ટ્સના રૂપમાં એટલે કે તે ગોળીઓ કે ઇન્જેક્શન રૂપે લઇએ તો તેનાથી લાંબા ગાળે શરીરને નુકસાન પહોંચે છે, ખાસ કરીને તેનો હાઇ ડોઝ લેવામાં આવે તો તે નુકસાનકારક બને છે.

વિટામિન સીની ગોળીઓ ખાવી તેના કરતાં આમળાં ખાવા સારા. વિટામિન ડીની ગોળીઓ લેવી તેના કરતાં સૂર્યપ્રકાશ લેવો સારો. આમ, કોઇ પણ વિટામિનને નેચરલ સોર્સમાં લેવો બેસ્ટ છે. જો તે વધારે ખવાઇ જાય તો પણ ચિંતા રહેતી નથી. જો નેચરલ સોર્સ બેસ્ટ હોય તો ડૉક્ટર શા માટે વિટામિનની ગોળીઓ આપે છે. તેનું કારણ એ છે કે કોઇ વ્યક્તિ વિટામિનની ઉણપના કારણે કોઈ વ્યક્તિ રોગથી પીડાતી હોય અને આ ઉણપ ભારે માત્રામાં હોય તો ડૉક્ટર્સે ગોળીઓ લખી આપવી પડે છે. જોકે તે ગોળીઓ પણ થોડા સમય માટે જ લેવાની હોય છે. ક્યારેક દર્દી વ્યવસ્થિત ખોરાક લઇ શકતો ન હોય તેવા સંજોગોમાં પણ ગોળી લખી આપવી પડે છે.

અમદાવાદનાં ફેમિલિ ફિઝિશિયન ડૉક્ટર કુંજલ પટેલ કહે છે કે આપણા દેશમાં ન્યુટ્રિશિયન ડેફિશિયન્સી વધુ પ્રમાણમાં જોવા મળે છે. કેટલાક સંજોગોમાં ડૉક્ટર દવા લખી આપે છે. ડૉક્ટરની સલાહ વગર કોઇ પણ જાતની ટેબ્લેટ લેવી હાનિકારક છે. ક્યારેય કોઇ પણ ગોળી પ્રિસ્ક્રિપ્શન વગર ન લેવી જોઇએ. મેડિકલ સ્ટોરમાં મળતી વિટામિનની ગોળીઓ પ્રિસ્ક્રિપ્શન વગર મળતી હોવાથી લોકો તેનો બેફામ ઉપયોગ કરે છે, જે શરીર માટે હાનિકારક છે. સિઝનલ ફ્રૂટ્સ, લીલા શાકભાજી અને સંતુલિત આહારથી શરીરને જરૂરી વિટામિન્સ મળી રહે છે. તેથી રોજિંદા આહારમાં તેનો સમાવેશ કરવો જોઇએ.

ભૂમિકા ત્રિવેદી

You might also like