પરોપકારી મહિલા કોન્સ્ટેબલ સ્મિતા ટાન્ડીના ફેસબુક પર ૭.૨૧ લાખ ફોલોઅર્સ

દુર્ગ: પૈસાની કમીના કારણે સ્મિતા પોતાના પિતાને ન બચાવી શકી. પરંતુ હવે ગરીબ અને લાચાર લોકોની મદદ કરવી તેના જીવનનો હેતુ બની ચૂક્યો છે. છત્તીસગઢ પોલીસમાં કોન્સ્ટેબલ સ્મિતા ટાન્ડીને ફેસબુક પર તેના પરોપકારી ભાવના કારણે ૭ લાખથી વધુ લોકો ફોલો કરે છે. માત્ર ૨૦ મહિના પહેલાં શરૂ કરાયેલા તેમના એકાઉન્ટના ૭,૨૧,૭૧૫ ફોલોઅર્સ બની ચૂક્યા છે.

જાન્યુઅારી ૨૦૧૧માં છત્તીસગઢ પોલીસમાં સામેલ થનાર સ્મિતાને એક વ્યક્તિગત સમસ્યા બાદ બીજાની મદદ કરવાની પ્રેરણા મળી. સ્મિતા કહે છે કે જ્યારે વર્ષ ૨૦૧૩માં તે પોલીસની ટ્રેનિંગ લઈ રહી હતી ત્યારે અચાનક તેના પિતા શિવકુમાર ટાન્ડી બીમાર પડ્યા. અમારી સાથે તેમના ઇલાજ માટે પૂરતા પૈસા ન હતા. અાખરે અમે તેમને ન બચાવી શક્યા. એક પ્રાઈવેટ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. મારા પિતા પણ પોલીસમાં કોન્સ્ટેબલ હતા. તેમને ૨૦૦૭માં એક ઘટના બાદ જબરજસ્તી છૂટા કરાયા હતા.

સ્મિતાઅે પોતાના પિતાના મૃત્યુ બાદ ગરીબોની મદદ કરવાનું નક્કી કરી લીધું. અા હેઠળ તેને ૨૦૧૪માં પોતાના મિત્રો સાથે મળીને ગરીબોની મદદ કરવા એક ગ્રૂપ બનાવ્યું. બાદમાં તેણે ફેસબુક પર એક એકાઉન્ટ બનાવ્યું. શરૂઅાતમાં લોકોઅે તેની વાત પર ધ્યાન ન અાપ્યું. થોડા મહિના બાદ તેની અપીલ પર ગરીબોની મદદ માટે પૈસા અાપવાનું શરૂ કર્યું. છત્તીસગઢ પોલીસના સિનિયર અધિકારીઅોને સ્મિતાના અા કામની જાણ થતાં તેનું પોસ્ટિંગ ભિલાઈની વુમન હેલ્પલાઈનમાં સોશિયલ મીડિયા કમ્પ્લેન સેલમાં કરાવી દીધું.

દુર્ગના અેસપી અમરેશ મિશ્રાનું કહેવું છે કે સ્મિતા ટેકનોલોજીના ઉપયોગમાં એક્સપર્ટ છે. તેની કાબેલિયત પ્રમાણે અમે તેને અા કામ સોંપી દીધું છે. અત્યાર સુધી ૨૫ અત્યંત ગરીબ લોકોને હોસ્પિટલનું બિલ ભરવામાં સ્મિતા મદદ કરી ચૂકી છે. સ્મિતા કોઈ વ્યક્તિ મદદ માટે કહે ત્યારે પહેલાં જાતે જઈને ઘટનાની તપાસ કરે છે અને બાદમાં ફેસબુક પર પોસ્ટ કરે છે.  સ્મિતાઅે પોતાના પ્રોફાઈલમાં લખ્યું છે કે હું નહીં અમે, અાપણાથી જીવનદીપ. અાવો મળીને કોઈની જિંદગીમાં ખુશીઅો ભરીઅે.

You might also like