ઓડિશામાં વાવાઝોડા ‘તિતલી’થી 60 લાખ લોકો પ્રભાવિત, રાહત કામગીરી ઝડપી કરાઇ

ઓડિશામાં ‘તિતલી’ વાવાઝોડાના કારણે ભારે વરસાદ તેમજ પૂરના કારણે 60 લાખ લોકોથી વધારે પ્રભાવિત થયા છે ત્યારે રાજ્યની સરકાર દ્વારા ત્રણ જિલ્લામાં બચાવ અને રાહત કામગીરી તેજ કરી દેવામાં આવી છે. જ્યારે એનડીઆરએફ અને ઓડીઆરએએફ અધિકારીઓને તૈનાત કરી દેવામાં આવ્યાં છે.

સૂત્રોને મળતી જાણકારી મુજબ દક્ષિણી ઓડિશાના ત્રણ જિલ્લા ગંજમ, ગજપતિ અને રાયગઢામાં પૂરની સ્થિતિ અતિગંભીર જોવા મળી છે અને ત્યાં મુખ્ય નદીઓનું જળસ્તર ખતરાના નિશાન કરતાં ઉપર જોવામાં આવી રહ્યું છે. વાવાઝોડાના કારણે આ ત્રણ દિવસમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગ દ્વારા 19 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે. તેની સાથે આ જિલ્લામાં સાવચેતીના પગલે ચેતાવણી જાહેર કરવામાં આવી છે. એનડીઆરએફ અને ઓડીઆરએએફને તૈનાત કરવાનો નિર્ણય ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવાયો હતો જેમાં મુખ્યપ્રધાન નવીન પટનાયક વાવાઝોડા બાદની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું.

મુખ્યમંત્રી નવીન પટનાયકે નદી પર તુટેલા તટબંધોને તુરંત રીપેર કરવા તાકિદ કરી તેમજ જિલ્લા કલેકટરોને રાહત શિબિર પર રહેતા લોકોને ભોજન પહોંચડાવા જણાવ્યું હતું.

You might also like