જાપાનમાં ભારે વરસાદથી 50 લાખ લોકો પૂરમાં ફસાયાઃ 100નાં મોત

હીરોશિમા: પશ્ચિમ જાપાનમાં સતત ત્રણ દિવસથી થઈ રહેલા મૂશળધાર વરસાદના કારણે આવેલા પૂરને કારણે ૧૦૦ લોકોનાં મોત નીપજ્યાં છે. તેમજ ૧૦૦થી વધુ લોકો ગુમ થઈ ગયા છે. આ ઉપરાંત સતત વરસાદથી પાણી ભરાઈ જતાં ૫૦ લાખ લોકો પૂરમાં ફસાઈ જતાં લોકોને આ વિસ્તાર ખાલી કરવા સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદ બાદ વડા પ્રધાન શિંજો આબેએ તંત્રને રાહત બચાવ કામગીરી ઝડપી બનાવવા આદેશ આપ્યો છે તેમજ આ‍વી ઘટનાને સમય સાથે જંગ ગણાવી બચાવ કામગીરીમાં કોઈ ખામી રહી ન જાય તે માટે ખાસ સતર્ક રહેવા જણાવ્યું છે.

ટોકિયોથી ૬૦૦ કિ.મી. દૂર માટોયામામાં ૨૪ ક્લાકમાં વિક્રમી ૨૩ ઈંચ વરસાદ થયો છે. અનેક જગ્યાએ પુલ અને રસ્તા ધોવાઈ ગયા છે. હવામાન વિભાગે ઈતિહાસના સૌથી ભીષણ વરસાદની ચેતવણી અાપી છે. ૫૦ લાખથી વધુ લોકોને સલામત સ્થળે જવા સલાહ અપાઈ છે.

હીરોશિમા અને ક્યોટો શહેરને સૌથી વધુ અસર થઈ છે. કેટલીક જગ્યાએ તો પાણી લગભગ પાંંચ મીટર સુધી વધી ગયું છે. આ કારણે રાહત કાર્યોમાં અવરોધો આવી રહ્યા છે. અનેક લોકો મકાનોની છત પર ફસાયા છે. તેમને એર લિફ્ટ કરી બચાવાઇ રહ્યા છે.

જાપાનમાં સતત ત્રણ દિવસથી થઈ રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં વિનાશક પૂર આવતાં તેમાં અનેક લોકો ફસાઈ ગયા છે. ત્યારે બીજી તરફ હવામાન વિભાગે જાપાનના ઈતિહાસના સૌથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. હાલ ભારે વરસાદના કારણે જાપાનના પ્રાચીન શહેર ક્યોટોમાં વરસાદનો કહેર જોવા મ‍ળી રહ્યો છે. જેમાં માટોયામામાં ૨૪ ક્લાકમાં વિક્રમી ૨૩ ઈંચ વરસાદ થતાં ભારે ખાનાખરાબી થઈ છે.

જાપાનમાં પૂરમાં ફસાયેલા દોઢ લાખ લોકોને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બચાવી લેવામા આવ્યા છે. અંદાજે ૪૮ હજાર જવાનોને રેસ્ક્યુ કામમાં લગાવાયા છે, તેમાં પોલીસ, ફાયર ફાઈટર્સ અને સેલ્ફ ડિફેન્સ ફોર્સના જવાન છે.

You might also like