નેપાળમાં ભારે વરસાદઃ કૈલાસ માનસરોવર ગયેલા કર્ણાટકના ૧૫૦૦ યાત્રી ફસાયા

નવી દિલ્હી: નેપાળમાં ભારે વરસાદ થતાં કર્ણાટકથી કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલા ૧૫૦૦ યાત્રિક હાલ ફસાઈ ગયા છે. આ તમામ યાત્રિક સીમકોટમાં અટવાઈ ગયા છે. જોકે આ તમામ યાત્રિક સુરક્ષિત છે. તેમ છતાં રાજ્ય સરકારે નેપાળના દૂતાવાસ પાસે મદદ માગી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર (ઈઓસી) અને રાજ્યમાં આપાતકાલિન વિભાગ સંભાળતા મહેસૂલ વિભાગે સૌથી પહેલા ટિ્વટ કરી કર્ણાટકના ૧૫૦૦ યાત્રિક વરસાદમાં ફસાયા હોવાની માહિતી આપી હતી. બાદમાં યાત્રિકો સલામત હોવાનું જણાવી વિભાગ યાત્રિકોના સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું.

બીજી તરફ દિલ્હીમાં વરસાદથી એક ફલેટનો ભાગ ધસી પડતાં એક બાઈકચાલકનું મોત થયું હતું. હવામાન વિભાગની આગાહી છે કે આજે પણ જમ્મુ-કાશ્મીરમાં વરસાદ પડવાની સંભાવના છે.

ઈઓસીએ ટિ્વટમાં વધુમાં જણાવ્યું હતું કે ખરાબ હવામાનના કારણે નેપાળગંજ અને સીમકોટ વચ્ચે હેલિકોપ્ટર સેવાને અસર થતાં આ યાત્રિકો ફસાયા છે.આ પહેલા કર્ણાટકના મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીએ નવી દિલ્હીના કર્ણાટક ભવનના સ્થાનિક કમિશનરને યાત્રિકોની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવા આદેશ આપ્યો હતો.

મુખ્યપ્રધાનના કાર્યાલયમાંથી જારી નિવેદન મુજબ વરસાદમાં ફસાયેલા યાત્રિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રાજ્ય સરકાર સતત નેપાળમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે.

દરમિયાન દિલ્હીમાં ગઈ કાલે રાતે થયેલા વરસાદના કારણે નરેલામાં એક ફલેટના પાંચમા માળનો એક ભાગ ધસી પડતાં રોડ પરથી પસાર થતા એક બાઈકચાલકનું મોત થયું છે. આજે પણ દિલ્હીમાં વરસાદની સંભાવના છે. કેટલાક દિવસથી દેશનાં વિવિધ રાજ્યમાં ચોમાસું સક્રિય બન્યું છે.

ત્યારે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે ઉત્તર ભારત સહિત દેશનાં ૨૦ રાજ્યમાં આજે ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર , અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ અને મેઘાલયમાં આજે વરસાદ થાય તેવી આગાહી પણ કરવામાં આવી છે.

ઝારખંડમાં વીજળી પડતાં બેનાં મોત
ભારે વરસાદ અને વીજળી પડતા ઝારખંડમાં ભારે અફરાતફરી મચી છે. ત્યારે દુમકા જિલ્લામાં બે જગ્યાએ વીજળી પડતાં બે વ્યકિતનાં મોત થયાં છે. આ ઘટના શિકારીપારા પોલીસ મથકની હદમાં બની છે. જેમાં એક યુવાન માછલી પકડતો હતો ત્યારે તેના પર વીજળી પડી હતી. જ્યારે બીજી ઘટનામાં ભલપહાડી ગામમાં એક આધેડ પશુ ચારી રહ્યો હતો ત્યારે તેના પર વીજળી પડતાં તેનું મોત થયું હતું. બીજી તરફ આસામમાં પણ ભાર વરસાદથી પૂરની સ્થિતિ ગંભીર બની ગઈ છે.

You might also like