બહાર નીકળીને આંદોલન ચાલુ રાખીશ : હાર્દિક પટેલ

સુરત : રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલના ચાર્જશીટની કોપી અને રેગ્યુલર પ્રોટશન માટે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટ પરિસરમાં હાજર રહેલા હાર્દિકે મીડિયાને સંબોધતા જણાવ્યું હતુંકે પાટીદાર અનામત આંદોલન આન-બાન-શાન સાથે આગળ વધશે. જેલમાંથી બહાર નીકળીને પણ આંદોલન ચાલુ રાખીશ. તો બપોર બાદ વિસનગર પોલીસે ટ્રાન્સફર વોરંટથી હાર્દિક પટેલનો કબજો મેળવ્યો હતો.

વિસનગર પોલીસ દ્વારા ઓક્ટોબર મહિનામાં હાર્દિકની કસ્ટડી માટે અરજી કરવામાં આવી હતી. જેના પગલે આજે સુરતની જિલ્લા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને ત્યાર બાદ આજે કોર્ટે હાર્દિકને વિસનગર પોલીસને સોંપવા માટે મંજૂરી આપી હતી. આજે સાંજે લાજપોર જેલથી વિસનગર પોલીસ તેની કસ્ટડી લીધી હતી અને તેને વિસનગર લઈ જવા રવાના થઈ હતી.

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર નેતાઓ અને સરકાર વચ્ચે શું વાટોઘાટો ચાલી રહી છે તેની મને કશી જ ખબર નથી. આ સિવાય કેસ પાછા ખેંચી લેવા અંગે તેમજ આઈપીએસ ઓફિસર મળ્યા હોવાના સવાલના જવાબમાં હાર્દિકે જણાવ્યું હતું કે, તમારો કહેવાનો મતલબ એમ છે કે, ન્યાયતંત્રમાં પણ રાજકારણ ચાલે છે એમ કહી વાટાઘાટોના સવાલોના જવાબ આપ્યા હતા.

તો કોર્ટ પરિસરમાંથી બહાર નીકળતી વખતે આનંદીબહેન પટેલની સરકાર કેસ પાછા ખેંચી રહીને ઢીલા પડ્યા હોવા અંગે જવાબ આપતા હાર્દિકે જણાવ્યું હતું કે, તે અમારા ફોઈ બા છે એટલે કદાચ ઢીલાં પડ્યા હોઈ શકે છે.

હાર્દિક પટેલ રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ છે. ત્યારે હાર્દિક વિરુદ્ધ રજૂ કરવામાં આવેલી ચાર્જશીટની સોંપણી માટે આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભારે સુરક્ષા બંદોબસ્ત સાથે હાર્દિકને વજ્ર વાનમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટ પરિસરમાં મીડિયાને સંબોધતા હાર્દિકે જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન આન-બાન-શાન સાથે આગળ વધશે.

You might also like