192 પૈકી માત્ર 27 કોર્પોરેટરે બજેટ બેઠકમાં પ્રશ્નો પૂછ્યા

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: મ્યુનિસિપલ મુખ્યાલયના ગાંધી હોલમાં બે દિવસના બજેટ બેઠક સંદર્ભમાં તંત્રના વિભિન્ન વિભાગો પાસેથી પ્રશ્નો પૂછીને માહિતી મેળવવાના મામલે શહેરના ૧૯ર કોર્પોરેટર સાવ ઉદાસીન પુરવાર થયા છે. કેમ કે આંગળીના વેઢે ગણાય તેટલા એટલે કે ર૭ કોર્પોરેટર દ્વારા પ્રશ્નો પૂછવાની તસદી લેવાઇ હતી. સામાન્ય રીતે બજેટ બેઠક દરમ્યાન કોર્પોરેટરો તંત્ર પાસેથી જે તે વિભાગને લગતી માહિતી મેળવીને તેના આધારે ચર્ચામાં ભાગ લે છે.

બજેટ બેઠકના સંદર્ભે પૂછાતા પ્રશ્નોના ઉત્તર આપવા માટે સત્તાવાળાઓ કાયદેસર બંધાયેલા હોઇ સિસ્ટમની ખામીને ઉજાગર કરી ખાસ કરીને વિપક્ષ કોંગ્રેસના સભ્યો શાસક તેમજ વહીવટી તંત્રને ભીંસમાં મૂકી શકે છે. પરંતુ આમાં પણ હવે જાણે કે એક પ્રકારની ઉદાસીનતા જોવા મળે છે.

તંત્ર સમક્ષ જે ર૭ કોર્પોરેટરે પ્રશ્નો પૂછ્યા હતા તેની યાદીમાં એક પ્રશ્ન ધરાવતા લાંભા વોર્ડનો કોંગ્રેસના મહિલા કોર્પોરેટર પલક પટેલનો પણ સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસના પૂર્વ નેતા અને બહેરામપુુરા વોર્ડના કોર્પોરેટર બદરૂદ્દીન શેખે સૌથી વધુ ૮૧૧ થી વધુ પ્રશ્નો પૂછ્યા હતા ત્યારબાદ કોંગ્રેસના કોર્પોરેટર અતુલ પટેલના ૩૧પથી વધુ, પક્ષ નેતા દિનેશ શર્માના ૩૦પ થી વધુ, કોંગ્રેસના સુરેન્દ્ર બક્ષી, હાજી અસરાર બેગ, જે.ડી. પટેલ, તૌફિકખાન પઠાણના પણ ઉલ્લેખનીય પ્રશ્ન તંત્રને મળ્યા હતા.

શાસક ભાજપમાંથી પક્ષ નેતા અમિત શાહ, મયૂર દવે, કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ, દિલીપ બગરિયા, પ્રદીપ દવે, ભાવનાબહેન નાયકે પણ પ્રશ્ન પૂછીને જે તે વિભાગ પાસેથી સચોટ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો છે. બજેટ બેઠક માટે ઇમરાન ખેડાવાલા, મોના પ્રજાપતિ, જગદીશ રાઠોડ, નફીસાબાનુ અન્સારી, રૂકસાનાબાનુ ઘાંચી, આફરીનબાનુ પઠાણ વગેરે કોંગ્રેસના સભ્યો તો રણજિત બારડ, નૂતનબહેન ચૌહાણ, અરુણાબહેન શાહ, સુમન સોલંકી વગેરે ભાજપના સભ્યોએ બે-ચાર પ્રશ્ન પૂછીને પોતાની હાજરી નોંધાવી હતી.

જોકે શાહપુરના ફાલ્ગુનીબહેન શાહે ભાજપમાંથી સૌથી વધુ ૩૦ પ્રશ્નો પૂછીને સૌને ચોંકાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મેયર બીજલબહેન પટેલ, ડેેપ્યુટી મેયર દિનેશ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ અને ભાજપના દંડક રાજુ ઠાકોરે તો એકેય પ્રશ્ન પૂછ્યો ન  હતો.

You might also like