રૂપિયા પર લગામ મૂકવાનું કામ અમારું નહીં: RBI

મુંબઇઃ ડોલરની સામે જ્યારે રૂપિયો સતત ગગડીને રેકોર્ડબ્રેક તળિયાની સપાટીએ જઇ રહ્યો છે ત્યારે રૂપિયાને ગગડતો રોકવામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હાથ ઊંચા કરી દીધાં છે. રિઝર્વ બેન્કનાં ગવર્નર ઊર્જિત પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રૂપિયા પર લગામ મૂકવાનું અમારું કામ નથી. રૂપિયામાં જે ચઢાવ-ઉતાર અને ઊથલપાથલ થાય છે તે બજાર પર નિર્ભર હોય છે.

રૂપિયાનો વિનિમયદર બજારની તાકાત પર નક્કી થાય છે અને તેથી રૂપિયાને નિયંત્રણમાં લાવવાનું કામ આરબીઆઇનું નથી. રિઝર્વ બેન્ક એનો કોઇ દાયરો નક્કી કરી શકે નહીં. મોનેટરી પોલિસી રિવ્યૂમાં નીતિગત વ્યાજદરને યથાવત્ રાખીને બજારને ચોંકાવનારા ગવર્નર ઉર્જિત પટેલે જણાવ્યું છે કે રિઝર્વ બેન્કનું લક્ષ્ય માત્ર ફુગાવા પર કેન્દ્રિત છે.

ઊર્જિત પટેલનું નિવેદન બતાવે છે કે રિઝર્વ બેન્ક રૂપિયાનો બચાવ કરવાનાં બદલે મોંઘા ડોલરની આયાતમાં ઘટાડો અને નિકાસમાં વધારા તરીકે જુએ છે, જેનાથી સ્થિરતા આવે. રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ પણ આ દૃષ્ટિકોણને સમર્થન આપતાં જણાવ્યું કે વિનિમયદર એ નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કે અર્થતંત્ર આ પ્રકારના આંચકાઓને કઇ રીતે સહન કરશે.

You might also like