આપણા મંદિરો

મનમાડ કાચીગુડા લાઇનના સિકંદરાબાદ રેલવે સ્ટેશનથી એક લાઇન દ્રોણાચલમ્ સુધી જાય છે. આ લાઇન પર કર્નુલ ટાઉન સ્ટેશન છે. ત્યાંથી શ્રીશૈલ ૭૭ કિ.મી. છે. અહીંથી બસ થોડે સુધી જાય છે. કર્નુલ ટાઉનમાં ધર્મશાળા છે.
મછલીપટ્ટમ્ (મસુલીપટ્ટમ્) હુબલી લાઇન પર દ્રોણાચલમ ્થી ૪૮ કિ.મી. પહેલાં ગંતુરથી ર૧૭ કિ.મી. નંદયાલ રેલવે સ્ટેશન છે. આ સ્ટેશનથી ૭૧ કિ.મી. દૂર શ્રીશૈલ છે.
શ્રીશૈલના રસ્તાની બંને બાજુએ ગાઢ જંગલ છે. આ જંગલમાં ભયંકર જંગલી પ્રાણીઓ, વાઘ, સિંહ, ચિત્તા, રીંછ છે. આ ઉપરાંત જંગલી ભીલોનો પ્રદેશ છે. તક મળતાં જ તે યાત્રાળુઓને લૂંટી લે છે. હત્યા કરતાં પણ ખચકાતા નથી. આ કારણે જ મલ્લિકાર્જુનની યાત્રા શિવરાત્રિ ઉપર કે આસોની નવરાત્રિમાં જ શકય બને છે. મલ્લિકાર્જુન દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. પિચેરુ તળાવથી લગભગ અડધે રસ્તે ભીમકોલા સુધી સામાન્ય ઉત્તરાણનો માર્ગ છે. ભીમકોલાથી આગળ લગભગ એક કિ.મી. સુધી ચડાણવાળો માર્ગ છે. ચડાણ પૂરું થતાં શ્રીશૈલનાં દર્શન થાય છે. ભીમકોલામાં એક નાનું શિવાલય છે. ચડાણ પૂરું થયા પછીનો માર્ગ સારો છે. શિખર ઉપર સમતલ ભૂમિ છે.
દ‌િક્ષણનાં મંદિરોનાં ઢબનું જ આ મંદિર છે. જે ખૂબ જૂનું છે. ઊંચા પથ્થરોની ચાર દીવાલ છે. જેના ઉપર હાથી, ઘોડા ચિતરેલા છે. એક કોટની ચાર બાજુએ દ્વાર છે. દ્વારો ઉપર ગોપુર છે. આ આંગણાંની અંદર બીજું આંગણું છે. બીજા આંગણાની અંદર મલ્લિકાર્જુનનું નિજ મંદિર છે. આ મંદિર બહુ મોટું નથી. મંદિરમાં ભગવાન મલ્લિકાર્જુનનું શિવલિંગ છે. આ શિવલિંગ મૂર્તિ લગભગ આઠ આંગળ ઊંચી છે અને પથ્થરના ઘડિયા વગરના અરધીમાં બિરાજમાન છે. મેળાના સમય દરમિયાન અહીં રહેવા માટે ઘણી તકલીફ પડે છે. આજુબાજુ નાનાં નાનાં ર૦થી રપ શિવાલય છે. યાત્રાળુઓ ભાડું આપીને અહીં રહે છે. મંદિરની ચારેય તરફ તળાવો અને બે નાનાં સરોવર પણ છે.
મલ્લિકાર્જુન મંદિરની પાછળ મા પાર્વતીદેવીનું મંદિર છે. અહીં તેમનું નામ મલ્લિકાદેવી છે. મલ્લિકાર્જુનનું નિજ મંદિરનું દ્વાર પૂર્વ તરફ છે. દ્વારની સામે સભામંડપ છે. તેમાં નંદિ મહારાજની વિશાળ મૂર્તિ છે. મંદિરના દ્વારની અંદર નંદિની એક બીજી નાની મૂર્તિ છે. અહીં શિવરાત્રિને દિવસે શિવપાર્વતીના વિવાહ યોજાય છે.
મંદિરના પૂર્વ દિશાના દ્વારથી એક માર્ગ કૃષ્ણા નદી સુધી જાય છે. તેને અહીંના લોકો પાતાળગંગા કહે છે. પાતાળગંગા મંદિરથી લગભગ બે કિ.મી. દૂૂર છે. આ રસ્તો ખૂબ જ કપરો છે. અડધો રસ્તો સામાન્ય ઉત્તરાણનો છે ત્યાર પછી ૮પર પગથિયાં છે. આ પગથિયાં સીધા ઉત્તરાણનાં છે. વચ્ચે ચાર વિરામ સ્થળ બનાવેલાં છે. પર્વતની નીચેથી કૃષ્ણા નદી વહે છે. યાત્રાળુઓ આ નદીમાં સ્નાન કરે છે અને શિવજીને ચડાવવા માટેનું જળ આ નદીમાંથી ઉપર ભરી જાય છે. ઉપર ચઠાણનો માર્ગ ખૂબ જ કઠિન છે.
પર્વતની નીચે કૃષ્ણા નદીમાં બે નાળાં મળે છે. આ સ્થળને લોકો ત્રિવેણી કહે છે. કૃષ્ણા નદીના તટ ઉપર પૂર્વ દિશાની તરફ જતાં એક ગુફા આવે છે. તેમાં દેવીમા તથા ભૈરવ વગેરે દેવીદેવતાની મૂર્તિ છે. કહેવાય છે કે આ ગુફા પર્વતમાં ઘણા માઇલ સુધી અંદર ઊંડે સુધી ગઇ છે. મલ્લિકાર્જુનથી ૬ કિ.મી. દૂર શિખરેશ્વર તથા હાટકેશ્વરનાં મંદિર છે. અહીંનો માર્ગ કપરો છે. થોડા યાત્રાળુ શિવરાત્રિ પહેલાં ત્યાં સુધી જાય છે. અહીંથી મલ્લિકાર્જુનનાં શિખરનાં દર્શન કરવાથી ખૂબ જ પુણ્ય મળે છે.
જય મલ્લિકાર્જુન દેવ.
– શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like