ભગવાન નાગેશ્વર પાર્શ્વનાથનું મંદિર

જે ધર્મમાં અપાર કરુણા છે જે ધર્મમાં જગતના પ્રત્યેક જીવ પરત્વે અત્યંત દયાભાવના છે તે ધર્મ આજે જૈન ધર્મને નામે ઓળખાય છે. જોકે જગતના દરેક ધર્મમાં જીવદયા તો વણાયેલી છે જ છતાં જૈન ધર્મ તો જગતના દરેક જીવ પ્રત્યે અપાર કરુણા ધરાવે છે. કેટલાક દિવ્ય કક્ષાના જૈન દિગંબર મુનિ સાવ દિગંબરીવસ્થામાં જે ખાટલામાં ભયંકર તથા ખૂબ માંકડ હોય તે ખાટલામાં સૂઈ જાય છે. જેથી ભૂખ્યા માંકડને ભરપૂર લોહી મળે. ખેર, આજે પણે આવા મહાન જૈન ધર્મના ભગવાન નાગેશ્વર પાર્શ્વનાથના મંદિર વિશે જાણીએ.

અમદાવાદથી વડોદરા વાયા ગોધરા, નાગદાથી અથવા મુંબઈ-દિલ્હીના રેલવે માર્ગે નાગદા થઈ અહીં આવી શકાય છે. અમદાવાદથી માત્ર આઠ કલાકના અંતરે સીધા વિક્રમગઢ રેલવે સ્ટેશનેથી પણ અહીં જઈ શકાય છે.

આમ, જોવા જાવ તો મધ્યપ્રદેશ તથા રાજસ્થાનની સરહદ પર ભગવાન નાગેશ્વર પાર્શ્વનાથનું ખૂબ જૂનું તથા અનેક ચમત્કારથી સિદ્ધ ભગવાન પાર્શ્વનાથ મંદિર છે. આ મંદિર ઝાલાવાડ જિલ્લાના ગંગાધર તાલુકાના ઉન્હેલ નામનાં નાનકડા ગામમાં આવેલ ખૂબ પ્રખ્યાત મંદિર છે. અહીં મંદિર સ્થાન શબ્દને બદલે જિનાલય શબ્દ વાપરવો વધુ ઉત્તમ છે.
ભગવાન નાગેશ્વર પાર્શ્વનાથનું આ મંદિર મધ્યપ્રદેશના વિક્રમગઢ સ્ટેશનથી બસ દ્વારા માત્ર ૧૦ કિ.મી. દૂર રાજસ્થાનની બોર્ડર પાસે આવેલ છે.

પ્રાચીન કાળની આ વાત છે. સમય લગભગ ૧૧૦૦ વર્ષ જેટલો પાછળ લઈ જઈએ તો આજનું ઉન્હેલ ગામ તે વખતે ઉન્હેલ નગર તરીકે ખૂબ પ્રખ્યાત હતું. કાળક્રમે નગરની આ સમૃદ્ધિ નાશ પામી હતી. એક વખતની વાત છે. ઉન્હેલ નગરના રાજાને નાગેશ્વર ભગવાનની શ્રદ્ધાથી મનોકામના પૂર્ણ થતાં રાજાએ આ મૂર્તિને રત્નોથી મઢી દીધી હતી પરંતુ એક સોનીના ધનલોભે આ મૂર્તિ ચોરવાની કુબુદ્ધિ સૂઝી. પરિણામે સોનીનું કમોત થયું. તે પછી ઘણો સમય તે મૂર્તિ અપૂજ રહી. એક વખત તે સમયના રાજાએ આ મૂર્તિને ફરી માણેક મોતીથી મઢી ભવ્ય બનાવડાવી. આ છતાં તે મૂર્તિ ફરી ચોરાઈ ગઈ. ધનલોભી મનુષ્યને નિંદ્ય કર્મ કરાવે છે. જે તે દિવસે આ મૂર્તિ એક સંતને મળતાં તેમણે તેનું સ્થાપન કર્યું પરંતુ જૈનો ઉન્હેલ છોડી ચૂક્યા હોવાથી આ મૂર્તિ અપૂજ રહેવા લાગી.

એક વખત જૈનાચાર્ય અભયદેવસૂરિશ્વરજીએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. જૈન ધર્મ અનુસાર પ્રભુ પાર્શ્વનાથ સંસારનો ત્યાગ કરી વિહરતા વિહરતા ઉન્હેલ આવ્યા હતા. ત્યારે તેમની યાદમાં અહીં ભગવાન પાર્શ્વનાથ પ્રભુની કાયાનાં પ્રમાણમાપ મુજબ ૧૩ ફૂટ ૬ ઈંચની મૂર્તિ ઉપર સાત ફેણવાળા ધરણેન્દ્રદેવના છ ઈંચ ગણતાં કુલ ૧૪ ફૂટ ઊંચી લીલા રંગની ગાયવાળી અદભૂત મૂર્તિ બનાવી છે. જે કાયોત્સર્ગ મુદ્રામાં છે. આવી મૂર્તિ જવલ્લે જ જોવા મળે છે.

આજે તો નાગેશ્વર ખૂબ વિકસી ગયું છે. લગભગ ૨૦થી ૨૫ એકર જમીનમાં પથરાયેલી આ તીર્થભૂમિમાં અનેક ધર્મશાળા છે. આ મંદિર નાગદા પાસે આવેલ હોવાથી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનના મંદિર તરીકે આજે ઓળખાય છે. અહીં જૈન સિવાયના અન્ય ધર્મ પણ આવી પોતાની મનોકામના વ્યકત કરે છે. ભગવાન નાગેશ્વર પાર્શ્વનાથ ખૂબ ચમત્કારિક હોવાથી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય છે.•શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like