આપણાં મંદિરો: કાશીનાં મંદિર તથા મુખ્ય મુખ્ય કુંડ

કહેવાય છે કે કાશીનગર ભગવાન શિવે પોતાના પરિવાર સાથે રહેવા ઉત્પન્ન કરેલ છે. કાશી ત્રિશૂળના વચ્ચેના શૂળ ઉપર વસેલું છે. ત્રિશૂળની શૂળ ઉપર હોવા છતાં તે પડતું આખડતું નથી. કારણ કાશીમાં ભગવાન શિવનો સ્વયં વાસ પોતાના પરિવાર સહિત છે. આવો આપણે અહીં કાશીનાં મંદિર તથા મુખ્ય મુખ્ય કુંડ વિશે જાણીએ.
કાશી વિશ્વનાથ મહાદેવઃ કાશી નગરનું આ મુખ્ય મંદિર છે. મંદિરની ઉપર સુવર્ણ કળશ ચડાયેલ છે. જેનું લોકાર્પણ પંજાબ નરેશ મહારાજા રણજિતસિંહે કરેલ છે. મંંદિરની સામે સભામંડપ છે. મંડપની પશ્ચિમ દિશાએ દંડપાણેશ્વરનું મંદિર છે. સભામંડપમાં ખૂબ મોટો ઘંટ તથા અનેક દેવદેવીની મૂર્તિ છે. મંદિરના પ્રાંગણમાં એક બાજુ સૌભાગ્યગૌરી તથા ગણેશજી બીજી બાજુએ શૃંગારગૌરી અવિમુકતેશ્વર મંદિર તથા સત્યનારાયણદેવનાં મંદિર આવેલાં છે. દંડપાણેશ્વર મંદિરની પશ્ચિમે શનૈશ્ચરાય મહાદેવ છે. દ્વાદશ જ્યોર્તિલિંગમાંનું વિશ્વેશ્વર લિંગ અહીં છે. અહીંની વિશેષતાઓ એ છે કે અહીંના લિંગની બેઠક શંખના આકારની નથી, પરંતુ ચોરસ આકારની છે. આમાંથી પાણી નીકળવાનો કોઇ માર્ગ નથી. તેથી લોટાથી પાણી ઊલેચી કાઢવું પડે છે. કારતક સુદ ૧૪ તથા મહાશિવરાત્રિના દિવસે વિશ્વેશ્વરનું પૂજન અર્ચન કરનાર કરાવનારનો મોક્ષ થાય છે.
શ્રી વિશ્વનાથજી: કાશીનગરના સમ્રાટ છે. તેમના મંત્રી હરેશ્વર, કથા વાચક બ્રહ્મેશ્વર, કોટવાળ ભૈરવ, ધનાધ્યક્ષ તારકેશ્વર, છડીદાર, દંડપાણી, ભંડારી વીરેશ્વર, અધિકારી ઢુંઢિરાજ તથા કાશીનાં અન્ય શિવલિંગ પ્રજાપાલક છે.
વિશ્વનાથ મંદિરના વાયવ્યકોણમાં લગભગ ૧પ૦ શિવલિંગ છે. તેમાં ધર્મરાજેશ્વર મુખ્ય છે. આ મંડળીને શિવ કચેરી કહે છે. અહીં મોહવિનાયક, પ્રમોદ વિનાયક, સુમુખ વિનાયક તથા ગણનાથ વિનાયકની મૂર્તિઓ છે.
જ્ઞાનવાપીઃ શ્રી વિશ્વનાથ મંદિરની નજીકમાં જ જ્ઞાનવાપી કૂપ છે. કહેવાય છે કે ઔરંગઝેબે આ મંદિર તોડાવ્યું ત્યારે શ્રી વિશ્વનાથજી આ કૂપમાં ચાલ્યા ગયા હતા. ત્યાર પછી તેમની ફરી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. યાત્રાળુઓ આ કૂપમાંથી જળ લઇને આચમન કરે છે. અહીં સાત ફૂટ ઊંચા નંદિ મહારાજ છે. પ્રાચીન મંદિરના સ્થળ ઉપર ઔરંગઝેબે મસ્જિદ બંધાવી હતી, પરંતુ તેમાં મંદિરનાં ચિહ્ન હજુ પણ જોવા મળે છે. મસ્જિદની બહાર એક નાના ચબુતરા ઉપર બહુ નાના મંદિરમાં ગૌરીશંકરની મૂર્તિ છે.
અક્ષયવટઃ શ્રી વિશ્વનાથ મંદિરની બહાર નીકળી ઢુંઢીરાજ મંદિર તરફ જતાં પ્રથમ ડાબી બાજુ શનૈશ્ચર મંદિર આવે છે. તેમનું મુખ ચાંદીનું છે, પરંતુ શરીર નથી. નીચે માત્ર કપડું પહેરાવેલું છે. તેમની નજીક એક બાજે મહાવીર છે. એક ખૂણામાં વડ છે તેને જ અક્ષયવટ કહેવામાં આવે છે. અહીં દ્રુપદાદિત્ય તથા નકુલેશ્વર મહાદેવ છે.
અન્નપૂર્ણાઃ શ્રી વિશ્વનાથ મંદિરથી થોડે દૂર આ મંદિર છે. ચાંદીના સિંહાસન ઉપર અન્નપૂર્ણા માતાની પિત્તળની મૂર્તિ બિરાજમાન છે. મંદિરના સભામંડપમાં કુબેર, સૂર્ય, ગણેશ, વિષ્ણુ તથા હનુમાનજીની મૂર્તિ છે. અહીં રાજા ભાસ્કરરાય દ્વારા સ્થાપિત યંત્રેશ્વર લિંગ છે. જેના પર શ્રીયંત્ર કોતરેલું છે. આ મં‌િદરની લગોલગ બીજા એક ખંડમાં મહાકાળી, શિવ પરિવાર, ગંગાવતરણ, લક્ષ્મીનારાયણ, શ્રીરામ દરબાર, રાધા કૃષ્ણ, ઉમા મહેશ તથા ભગવાન નરસિંહની મૂર્તિ છે. ચૈત્ર સુદ નોમ તથા આસો સુદ આઠમના દિવસે મા અન્નપૂર્ણાનું ભવ્ય પૂજન અર્ચન અહીં કરવામાં આવે છે.
ઢુંઢિરાજ ગણેશજીઃ અન્નપૂર્ણા મંદિરની પશ્ચિમે ગલીમાં ઢુંઢિરાજ ગણેશજી છે. તેમની ઉપર ચાંદી મઢેલી છે. મહારાજ ‌દીવોદાસે ગંડકીના પથ્થરમાંથી ગણેશજી બનાવડાવ્યા છે. મહા સુદ ચોથે તેમનું ભવ્ય પૂજન થાય છે.•
– શાસ્ત્રી હિમાંશુ વ્યાસ
http://sambhaavnews.com/

You might also like