સરહદે જવાનો ગોળીઓ ખાય છે અને RSS પાક.અધિકારીઓ સાથે ઇફ્તાર પાર્ટી મનાવે છે : કપિલ

નવી દિલ્હી : કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પૂર્વકેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. સિબ્બલે કહ્યું કે સરહદ પર આપણા જવાનો મરી રહ્યા છે અને આરએસએસ પાકિસ્તાનનાં હાઇકમિશનરો સાથે ઇફ્તાર પાર્ટીઓ કરી રહ્યા છે. સરકારની આ કેવી પોલીસી છે તે સમજમાં નથી આવી રહ્યું. પંપોર હૂમલા બાદ કપિલ સિબ્બલે કહ્યું કે અમે પણ પાકિસ્તાનની સાથે ચર્ચા કરી પરંતુ અમે કોઇની બર્થડે પાર્ટી કે લગ્નમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નથી ગયા.

સિબ્બલે કહ્યું કે એક તરફ પાકિસ્તાન સતત આપણા દેશમાં આતંકવાદીઓ મોકલી રહ્યું છે. બીજી તરફ આરએસએસ ઇફ્તાર પાર્ટી આપી રહ્યું છે. જેમાં પાકિસ્તાનનાં હાઇકમિશનરને બોલાવવામાં આવી રહ્યા છે. આ કઇ રીતની બેધારી નીતી છે. જે દેશ આતંકવાદી હૂમલાઓ કરીને આપણા જવાનોને રહેંસી નાખે છે. શાંતી ડહોળે છે. તે જ દેશનાં હાઇકમિશ્નર સાથે ઇફ્તાર પાર્ટીની ઉજવણી કેટલી હદે યોગ્ય છે.હવે ક્યાં ગઇ રાષ્ટ્રભાવનાં અને રાષ્ટ્રભક્તિ.

એક ગોળીનો જવાબ 10 ગોળીઓથી આપવાની ગર્જના કરનારા નેતાઓ હવે ક્યાં છુપાઇ ગયા છે. અથવા તો પછી તેઓ પાકિસ્તાનનાં હાઇકમિશ્નર સાથેની ઇફ્તાર પાર્ટીમાં વ્યસ્ત છે. શું આ સરકારનાં દેખાડવનાનાં અને ચાવવાનાં દાંત અલગ અલગ હોય તેવું નથી લાગી રહ્યું. સરકારે આ અંગે સ્પષ્ટતા કરવી જોઇએ.

You might also like