અમારી દીકરીઅોની હત્યા થયાની અમને અાશંકા છે

અમદાવાદ: અમરાઇવાડી વિસ્તારમાં રહેતી બે વિદ્યાર્થિનીઓના આપઘાત મામલે મૃતક વિદ્યાર્થિનીઅોનાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે અમારી દીકરીઅોની હત્યા કરવામાં આવી હોવાની શંકા છે. તૃષાલીના પરિવારજનોઅે જણાવ્યું હતું કે તેને પાણી જોઇ ચક્કર આવતા હતા તો તે પાણીમાં કૂદવાની હિંમત કઇ રીતે કરી શકે? પરિવારજનોએ એ પણ આક્ષેપ કર્યો હતો કે ભાગ્યેશ બંને છોકરીઓને સ્કૂલથી છૂટ્યા બાદ લઇ ગયો હતો અને પછી તે ગુમ થઇ હતી, જેથી તે બધું જાણે છે અને પોલીસ ભાગ્યેશને બચાવી રહી છે. પોલીસે તાત્કાલિક ફરિયાદ લીધી નહોતી અને અપમા‌િનત કરી કાઢી મૂકયા હતા. પોલીસે ગુમ થવાની તાત્કાલિક ફરિયાદ નોંધી નહોતી.

મૃતક તૃષાલી મકવાણાનાં માસી દેવીબહેન ડોરિયાએ જણાવ્યું હતું કે ર૪ નવેમ્બરે સ્કૂલેથી તૃષાલી ઘરે પરત ન ફરતાં અમે શોધખોળ કરી હતી, પરંતુ તે ન મળતાં અમે અમરાઇવાડી પોલીસ સ્ટેશન ગયાં હતાં. જ્યાં સ્કૂલ ગોમતીપુરમાં આવેલી છે, જેથી ગોમતીપુર પોલીસ સ્ટેશન જાવ તેમ કહ્યું હતું. ગોમતીપુર પોલીસે પણ તેઓને ગોળગોળ જવાબ આપી સ્કૂલની હદ અમારી નથી તેમ કહી રખિયાલ મોકલ્યા હતા. રખિયાલ પોલીસ સ્ટેશનમાં જતાં અમે હમણાં તમારી છોકરીને શોધી લાવીઅે છીએ તેમ કહ્યું હતું અમને બેસાડી રાખ્યા હતા.

રખિયાલ પીઆઇ બી. એન. ચાવડા જ્યારે આવ્યા ત્યારે તેઓને મળવા તૃષાલીનાં માતા જશુબહેન જ્યારે તેઓની કેબીનમાં ગયાં ત્યારે પીઆઇએ તેમને કહ્યું હતું કે તમે પહેલાં અમરાઇવાડી કેમ ગયાં? જેથી તૃષાલીનાં માતાએ કહ્યું કે હું અમરાઇવાડી રહું છું તે ત્યાં જ જાઉંં ને? આ જવાબ સાંભળી પીઆઇ ચાવડાએ ચલ બહાર નીકળ, અમરાઇવાડી ગયાં હતાં તો ત્યાં જાવ. હું ફરિયાદ નહીં લઉં તેમ કહ્યું હતું. પોતાની વહાલસોયી દીકરી ગુમ થયાને કલાકો વીતી ગયા છતાં પોલીસના આવા ઉદ્ધતાઇભર્યા વર્તન અને જવાબને લઇને બેભાન જેવા થઇ ગયા હતા.

પોલીસે ફરિયાદ ન લેતાં પરિવારજનોએ હોબાળો કરતાં છેવટે રાત્રે પીઆઇએ ફરિયાદ લીધી હતી. પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ભાગ્યેશ સ્કૂલેથી છૂટીને લઇ ગયો હતો. અમને ભાગ્યેશ પર શંકા હતી જેથી અમે તેને શોધી પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો ત્યારે પોલીસે તેને અને તેના પિતાને ખુરશીમાં બેસાડ્યા અને અમને કાઢી મૂકયા હતા. પોલીસે કોઇ પણ પ્રકારની ગંભીરતા લઇ ભાગ્યેશની પૂછપરછ કરી નહીં અને છોકરીઓને શોધવા પ્રયત્ન કર્યો નહોતો.

જરૂર પડ્યે વેચાઈ જઈશું પણ ભાગ્યેશ અને તેના પિતા સામે કાર્યવાહી કરાવીશું
તૃષાલીનાં માસી દેવીબહેન કોરડિયાએ જણાવ્યું હતું કે અમને પૂરેપૂરી શંકા છે કે અમારી પુત્રીની હત્યા કરવામાં આવી હોઇ શકે છે. અમારા ઘર, ઝૂંપડા વેચી દઇશું, જરૂર પડ્યે અમે પણ વેચાઇ જઇશું, પરંતુ ભાગ્યેશ અને તેના પિતા સામે ચોક્કસ કાર્યવાહી કરાવીશું. અમે માત્ર પીએમ રિપોર્ટની રાહ જોઇ રહ્યા છીએ. : તૃષાલીના માસી દેવીબહેન

સ્કૂલબેગ અંગે રહસ્ય
તૃષાલી અને દિવ્યા જ્યારે સ્કૂલે જવા નીકળી ત્યારે સ્કૂલ બેગ લઈ અને નીકળી હતી. બંનેની લાશ નદીમાં મળી ત્યારે તૃષાલીના ગળામાં માત્ર અાઈકાર્ડ હતુ પરંતુ સ્કૂલ બેગ મળી અાવી નહતી. જેથી બંનેની સ્કૂલ બેગ ક્યાં છે તે અંગે પણ હજુ રહસ્ય અકબંધ છે.

ભાગ્યેશ હોસ્પિટલમાં દાખલ
રખિયાલ પીઅાઈ બીએન ચાવડાઅે જણાવ્યું હતું કે ગઈકાલ સાંજથી ભાગ્યેશની પૂછપરછ ચાલુ છે. તેને રાત્રે તાવ અાવી જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં અાવ્યો છે.

પોલીસે ગોળ ગોળ ફેરવ્યા
દિવ્યાના પિતા વિનોદભાઈઅે જણાવ્યું હતું કે રખિયાલ પીઅાઈઅે અમારી ફરિયાદ લીધી નહોતી અને હોબાળો કરતા છેવટે ફરિયાદ લીધી હતી. અામ પોલીસે અમને ગોળ ગોળ ફેરવ્યા હતા. અમને અાશંકા છે કે કંઈક અજુકતુ કર્યા બાદ હત્યા પણ કરવામાં અાવી હોઈ શકે.

You might also like