જેટ બંધ થતાં અન્ય એરલાઈન્સનાં ભાડાંમાં બે ગણા સુધીનો વધારો

વિદેશ ભણવા જવા માટે ઇચ્છુક અમદાવાદ સહિત રાજ્યભરના સેંકડો વિદ્યાર્થીઓએ મહિનાઓ પહેલાં ઓનલાઇન ટ્રાવેલ પોર્ટલ દ્વારા એડ્વાન્સ બુકિંગ કરાવ્યાં હતાં. હવે જેટનું રિફંડ તેમને ન મળતાં અન્ય ખાનગી એર લાઇનને ડબલ ભાડાં ચૂકવી વિદેશ ભણવા જવાની નોબત આવી છે.

માત્ર વિદ્યાર્થીઓ જ નહીં ફોરેન ટૂર માટે જેટ એરવેઝમાં જનારા પ્રવાસીઓને હવે નવેસરથી નવી ટિકિટ ખરીદી કરવાનો વારો આવતાં તેમના વિદેશ ટૂરનાં બજેટ બમણાં થયાં છે અન્ય એરલાઇન પણ જેટ બંધ થવાનો ફાયદો લઈને બમણાં ભાડાં વસૂલી રહી હોવાની ફરિયાદો ઊઠી છે અત્યારે વેકેશન હોઈને ટ્રેનો ચિક્કાર જઈ રહી છે.

છેલ્લી ઘડીએ ફ્લાઇટ સિવાય પ્રવાસીઓ માટે અન્ય કોઈ વિકલ્પ નથી. જો ટૂર જતી કરે તો પણ મોટું નુકસાન જવાની શક્યતા છે માત્ર વિદેશ પ્રવાસ જ નહીં ડોમેસ્ટિક ફલાઇટ કે કનેક્ટિંગ ફ્લાઇટ લઈને મુંબઈ કે દિલ્હીથી જનારા પ્રવાસીઓ અમદાવાદથી મુંબઈનું ભાડું ૧૦ થી ૧૮ હજાર સુધી ચૂકવી રહ્યા છે જયારે દિલ્હીનાં ભાડાં રૂ. ૧૩ હજાર સુધી ચૂકવી રહ્યા છે .

જેટ એરવેઝનાં શટર પડી ગયા પછી સર્જાયેલી કફોડી પરિસ્થિતિની બાબતે ટ્રાવેલર્સ જિજ્ઞેશ મહેતાએ જણાવ્યું હતું કે ઓનલાઇન ટ્રાવેલ પોર્ટલ ઓટીપી દ્વારા પેસેન્જરોને રિફંડ ચૂકવાયું નથી. ગુજરાતના મોટા ભાગના વિદ્યાર્થીઓ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, રશિયા, જર્મની, ન્યૂઝીલેન્ડ, ચાઈના સહિતના દેશોમાં અભ્યાસ માટે જાય છે.

અમદાવાદના એવા અંદાજિત ૧૨૦૦ વિદ્યાર્થીઓએ જેટમાં બુકિંગ કરાવ્યું હતું. હવે સપ્ટેબરમાં કોલેજના સ્તર શરૂ થશે ત્યારે સેન્ડવિચ જેવી સ્થિતિમાં મુકાયેલા વિદ્યાર્થીઓને નાછૂટકે અન્ય એર લાઈનની ટિકિટ બુક કરાવવી પડી રહી છે. જેમણે રૂ ૫૯,૦૦૦માં કેનેડાની ટિકિટ બુક કરાવી હતી. તેમને હવે નવી ટિકિટ રૂ ૧,૧૩, ૦૦૦માં ખરીદવાની નોબત આવી છે.

દર વર્ષે પોતાના સંતાનોને મળવા માટે મે જૂનમાં વિદેશ જનારા સેંકડો સિટીઝનના કાર્યક્રમ ખોરંભે પડયા છે. જેમને જાન્યુઆરીમાં ૬૩ હજારમાં કેનેડા કે અમેરિકાની ટિકિટ બુક કરાવી હતી. તેઓ અત્યારે રૂ ૧,૩૫,૦૦૦ ભાડું હાલમાં અન્ય એરલાઇન્સને ચૂકવી રહ્યા છે.

You might also like