ગુજરાત યુનિવર્સિટી ખાતે જોબ ફેરનું કરાયું આયોજન

અમદાવાદઃ આજે વિદ્યાર્થીઓને તેઓનાં અભ્યાસ પૂર્ણ થયા બાદ નોકરી મળશે કે નહીં તે એક ચિંતાનો વિષય બની ગયો છે. જ્યારે આજનાં જમાનામાં આ મામલે મોટી મોટી સંસ્થાઓ અને રોજગાર તાલીમ વિભાગ દ્વારા મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવતું હોય છે.

ત્યારે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ કેમ્પસમાં જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સમગ્ર વર્ષ દરમ્યાન કંપનીઓએ જોબ ફેર યોજી યુનિવર્સીટીની અલગ-અલગ વિદ્યાશાખાનાં 3 હજાર જેટલાં ઉમેદવારોને નોકરી આપવાનું લક્ષ્યાંક તૈયાર કરાયું છે.

જેમાં 4200 જેટલી કંપનીઓ દ્વારા 3 હજાર જગ્યાઓ માટે વિદ્યાર્થીઓને જોબ ઓફર કરવામાં આવી છે. આ માટે ગુજરાત યુનિવર્સીટી દ્વારા કુલ 50 હજાર વિદ્યાર્થીઓને મેસેજ કરવામાં આવ્યાં છે. ગુજરાત યુનિવર્સીટીનાં બીએ, બીકોમ, બીએસસી, એમએ, એમકોમ, એમએસસી જેવી વિદ્યાશાખાનાં વિદ્યાર્થીઓ ઓનલાઈન પોર્ટલ પર જઈ જોબ માટે રજીસ્ટ્રેશન કરી નોકરી માટે એપ્લાય કરી શકે છે.

જે તે કંપનીમાં સિલેક્શન થયા બાદ વિદ્યાર્થીને 1 વર્ષ માટે એસ્યોર્ડ જોબ મળશે. જરૂર પડે તો 3 માસની ટ્રેનિંગ વિદ્યાર્થીને આપવામાં આવશે. જેનો ખર્ચ જે તે કંપની, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઉઠાવશે. સમગ્ર વર્ષ દરમ્યાન 3 હજાર જેટલા વિદ્યાર્થીઓને જોબ મળે તે માટેનો લક્ષ્યાંક યુનિવર્સીટી દ્વારા રાખવામાં આવ્યો છે.

You might also like