અંગ દાન બદલ મફત રેલવે મુસાફરી અને સ્વાસ્થ્ય વીમો આપવા વિચારણા

નવી દિલ્હી: બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવેલા લોકોનાં અંગ દાનથી અનેક લોકોને નવી જિંદગી મળે છે ત્યારે આ વર્ષે બ્રેઈનડેડ જાહેર થયેલા ૧૩ લોકોના પરિવારજનોઅે અંગ દાનની જાહેરાત કરી હતી. તેમ છતાં આવા લોકોની કોઈ નોેધ લેવાતી ન હોવાથી સરકાર હવે આવા લોકોને રેલવેમાં મફત મુસાફરી અને સ્વાસ્થ્ય વીમાનો લાભ આપવા વિચારણા કરી રહી છે.

આ અંગે રાષ્ટ્રીય અંગ પ્રત્યારોપણ કાર્યક્રમના પ્રોગ્રામ અધિકારી ડો. અનિલ કુમારે જણાવ્યુ કે અંગ દાન મહાદાન છે. પરંતુ વ્યવસ્થાની ખામીથી ‍આવું દાન કરનારાના પરિવારજનોની નોંધ પણ લેવાતી નથી. તેથી કેન્દ્ર સરકાર અંગ દાન કરનારા પરિવારજનોને પ્રોત્સાહિત કરવા આવું આયોજન કરવા વિચારી રહી છે. મફત રેલવે મુસાફરી અને સ્વાસ્થ્ય વીમાના લાભથી અંગ દાનમાં વધારો થવાની આશા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે અંગોની માગ અને જરૂરિયાતમાં હાલ ઘણુું અંતર છે. દેશમાં દર વર્ષે લગભગ બે લાખ દર્દીઓને કિડની પ્રત્યારોપણની જરૂર પડે છે. તેમાંથી માત્ર સાત હજાર લોકોમાં જ પ્રત્યારાેપણ થઈ શકે છે. આ જ પ્રકારે ૫૦ થી ૬૦ હજાર લોકોને લિવરના પ્રત્યારોપણની જરૂર પડે છે. પરંતુ તેમાંથી માંડ બે હજાર લોકોને જ આવી સુવિધા મળી શકે છે. તેમજ દર વર્ષે અેક લાખ લોકોને કોર્નિયા પ્રત્યારોપણની જરૂર પડે છે. જ્યારે લગભગ ૫૦ હજાર લોકોને જ આંંખોની રોશની મળી શકે છે.

You might also like