ડ્રાઈવિંગ લાઈસન્સની અરજી કરનારને પૂછાશે, તમને અંગદાન કરવાની ઇચ્છા છે

અમદાવાદ: રાજ્યની કોઇ પણ વ્યક્તિએ નવું ડ્રાઇવિંગ લાઇસન્સ કે લાઇસન્સ રિન્યુ કરાવવું હશે તો તેને અંગદાન કરવાની ઇચ્છા છે કે કેમ તેનો જવાબ પહેલા અાપવો પડશે. ઓર્ગન ડોનેશન બાબતે જાગૃતિ લાવવા માટે આરટીઓ એ સરળ માધ્યમ અપનાવ્યું છે. જેના દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે આવતા કે રિન્યુઅલ માટે આવતા તમામ નાગરિકને આ બાબત લેખિતમાં પૂછ્યા બાદ તે અંગેનો ડેટા બેઝ કાયમી ધોરણે સાચવી રાખવાનું શરૂ કરી દેવાયું છે.. આ માટે અમદાવાદ સહિતની તમામ આરટીઓમાં નવું સોફટવેર નાખવામાં આવ્યું છે. જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ હોલ્ડરની તમામ માહિતી અપડેટ કરવામાં આવી રહી છે જે તે વ્યક્તિનો ક્યારેય અકસ્માત થાય તો તેના લાઇસન્સમાં જણાવેલા ઇમરજન્સી નંબર પરથી તેને મદદ કરી શકાય.

સારથિ નામનું આ નવું સોફટવેર નવા વર્ઝન સાથે રૂ.૩.૭૭ કરોડના ખર્ચે અપડેટ કરાયું છે. આ ઉપરાંત રાજ્યની તમામ આરટીઓમાં હવે નવું ડ્રાઇવિંગ લાઇસન્સ કે રિન્યુઅલના ફોર્મમાં અંગદાન અંગેની ઇચ્છા ઉપરાંત આધારકાર્ડનો નંબર અને ઉમેદવારનો ઇમર્જન્સી કોન્ટેક્ટ નંબર લખાવવાનો રહેશે. ત્રણ સુધારાઓ સાથેનું નવું ફોર્મ હવે પછી દરેક ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવનાર વ્યક્તિ માટે ભરાવવાનું છેલ્લા એક સપ્તાહથી અમલી છે.

વ્યક્તિ અંગદાન કરવાની ઇચ્છા છે તેવું જણાવશે તેને અકસ્માત નડે અને તેનું મૃત્યુ થાય તો તે વ્યક્તિનાં સારાં ઓર્ગન કાઢી તેનું દાન થશે. નવા સુધારા સાથેના ફોર્મમાં દરેક વ્યક્તિએ તેનો ઇમર્જન્સી કોન્ટેકટ નંબર લખવો ફરજિયાત છે. જેનો ઉલ્લેખ લાઇસન્સમાં પણ કરાશે. ઓર્ગન ડોનેશનની માહિતી શોર્ટ ફોર્મમાં ઓ.ડી. તરીકે લાઇસન્સમાં લખાઇને આવશે. જેનો ડેટા નેશનલ ઇન્ફર્મેશન સેન્ટર ખાતે એકઠો કરાશે જેને તમામ દવાખાના સાથે લિંક કરાશે.

આ અંગે અમદાવાદ આરટીઓ જી.એસ. પરમારે જણાવ્યું હતું કે વ્યક્તિને કોઇ અકસ્માત થાય ત્યારે લાઇસન્સમાં લખેલા ઇમર્જન્સી નંબર મદદરૂપ થાય, અંગદાન એ અવેરનેસ પ્રોગ્રામ છે, જોકે ૭૦ ટકા લોકો અંગદાનના વિકલ્પમાં ના જણાવે છે, પરંતુ ધીરે ધીરે જાગૃતિ વધશે. હાલમાં આધારકાર્ડનો નંબર, અંગદાન અંગેની ઇચ્છા અને ઇમર્જન્સી નંબરવાળા સુધારેલાં ફોર્મ ભરાવવાનું શરૂ થઇ ચૂક્યું છે.

You might also like