સાત રાજ્યની 252 સીટ પર વિપક્ષને ગઠબંધનની શક્યતાઓ

નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણી માટે ઘણી વિપક્ષી પાર્ટીઓઅે ભાજપ વિરુદ્ધ ચૂંટણી પૂર્વેના ગઠબંધન પર કામ શરૂ કરી દીધું છે. આ પાર્ટીઓનું લક્ષ્ય દરેક રાજ્ય મુજબ ગઠબંધન કરીને પોતાની રાજકીય શકિતને પ્રોત્સાહન આપવાનું અને આ રાજ્યોમાં ભાજપની સીટોને ઘટાડવાનું છે.

આ મામલા સાથે જોડાયેલા નેતાઓએ જણાવ્યું કે. હજુ સુધી સાત રાજ્યમાં આ પ્રકારનું ગઠબંધન થવાની શકયતાઓ છે. જ્યાં ભાજપ અને તેના સહયોગીઓએ ર૦૧૪ બાદ ઝડપથી સફળતા મેળવી છે. જે રાજ્યોમાં વિપક્ષી પાર્ટીઓ ભાજપ વિરુદ્ધ ચૂંટણી પૂર્વેના ગઠબંધનની તૈયારીઓમાં વ્યસ્ત છે તે રાજ્ય ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, તામિલનાડુ અને જમ્મુ-કાશ્મીર છે. આ સાત રાજ્યોમાં મળીને રપર લોકસભા બેઠક છે.

ર૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે તેમાંથી લગભગ ૧પ૦ બેઠક પર જીત મેળવી હતી. લગભગ એક ડઝન સીટ પર તેના સહયોગી દળોએ જીત મેળવી હતી. આ સાત રાજ્યમાં ભાજપની લહેર ઉપરાંત બિનભાજપી પક્ષની વચ્ચેના અંતરે પણ ર૦૧૪માં ભાજપને જીત અપાવી હતી.

તામિલનાડુમાં ભાજપને માત્ર એક સીટ મળી હતી, પરંતુ રાજ્યની ૩૯માંથી ૩૭ સીટ પર જીત મેળવનાર એઆઇડીએમકે સંસદની અંદર અને બહાર ભાજપના ઔપચારિક સહયોગી પક્ષના રૂપમાં કામ કરી રહી છે.

You might also like