રાષ્ટ્રવાદના મુદ્દે ભાજપના પ્રતિકાર માટે કોંગ્રેસ સહિતના વિપક્ષો સક્રિય

૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટની એર સ્ટ્રાઇક પછી પ્રારંભિક પ્રતિક્રિયાઓમાં કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ કરેલી ભૂલને હવે વિપક્ષી નેતાઓ સુધારવાના કામમાં લાગી ગયા છે. ચૂંટણી અને મતનું રાજકારણ ભલભલાની શાન ઠેકાણે લાવી દે છે. ૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગવાની ભૂલ કરીને ભારતીય સૈન્યના શૌર્ય પર શંકા ઉઠાવનારા વિપક્ષી નેતાઓએ એ વખતે લોકલાગણીની ઉપેક્ષા કરી હતી.

એ વખતે તેમની સામે લોકોની વચ્ચે જવાનો કોઇ પડકાર ન હતો એટલે વિપક્ષોનું એકંદર વલણ ભૂલભરેલું હોવા છતાં ધરાર તેને છેક સુધી વળગી રહ્યા અને આખરે જ્યારે એ સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા જાહેર કરાયા ત્યારે પણ ટંગડી ઊંચી રાખવાનો પ્રયાસ કર્યો હતો. બાલાકોટની એર સ્ટ્રાઇક વખતે તો લોકસભા સામાન્ય ચૂંટણી નજર સામે દેખાતી હતી.

એથી સરકારની સાથે હોવાનો દેખાડો કર્યા પછી એ એર સ્ટ્રાઇકમાં કેટલા ત્રાસવાદીઓ ખતમ થયા તેના આંકડાઓ અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા અને જ્યારે એર ચીફ માર્શલે સ્પષ્ટ કર્યું કે હવાઇદળ ટાર્ગેટને સિદ્ધ કરે છે, લાશો ગણવાનું કામ તેમનું નથી એ નિવેદન પછી વિપક્ષી નેતાઓના વલણમાં બદલાવની શરૂઆત થઇ.

ત્યાં સુધીમાં દેશભરના લોકોમાં સરકાર અને સૈન્યના પાકિસ્તાન સામેના નિર્ણાયક પગલાના કારણે રાષ્ટ્રભાવનાનો જે જુવાળ સર્જાયો હતો એ જોયા પછી શંકાસ્પદ વલણ સાથે લોકોની વચ્ચે જવામાં મુશ્કેલીના અનુમાન અને અનુભવના કારણે વિપક્ષી નેતાઓએ આખરે સૈન્યના જવાનોની કામગીરીને બિરદાવીને સરકાર તેમજ ભાજપના નેતાઓ દ્વારા તેનો યશ લેવાના વલણની ટીકા કરવાનું શરૂ કર્યું.

સૈન્ય કાર્યવાહીનો રાજકીય લાભ લેવાની મનોવૃત્તિ સામે બોલવાનું શરૂ થયું. વિપક્ષોની એ વાત વાજબી હતી, પરંતુ માત્ર વિપક્ષી નેતાઓની ભાષામાં બદલાવથી લોકલાગણીને જીતી શકાય તેમ નથી તેવું પ્રતીત થયા પછી જે રાજ્યમાં વિપક્ષની સરકાર છે એ રાજ્યની સરકારોએ વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજવાનું શરૂ કર્યું.

મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર લખીને સૈનિકોના શૌર્ય અને બલિદાનની સ્મૃતિમાં સમારોહ યોજવાનો અનુરોધ કરાયો. લોકસભા ચૂંટણીમાં તાજેતરની ઘટનાઓનો લાભ ભાજપને ન મળે એ માટે કોંગ્રેસે તેની વ્યૂહરચના એકદમ બદલી નાખી. હવે કોંગ્રેસ ભાજપને રાષ્ટ્રવાદની લહેરનો લાભ ન મળે એ માટે એટલી હદે સાવચેત છે કે સામ પિત્રોડાનાં વિસંગત નિવેદનને તેમનો વ્યક્તિગત અભિપ્રાય ગણાવીને પક્ષના અધિકૃત વલણ સાથે તેને કોઇ નિસબત ન હોવાની સ્પષ્ટતા કરી દીધી.

મધ્યપ્રદેશના તમામ જિલ્લાનાં વડામથકોએ સાંસ્કૃતિક વિભાગ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા તેમાં દેશભક્તિનાં ગીતો ગવાયાં. અગાઉ યુદ્ધમાં ભાગ લઇ ચૂકેલા જવાનોને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા. ભાજપનાં અતિઉત્સાહી અને જુસ્સાપૂર્ણ અભિયાન સામે આ કાર્યક્રમ કંઇક અંશે નબળા જણાતા હોવા છતાં એક વાત સ્પષ્ટ થઇ ગઇ કે કોંગ્રેસ સાવચેતીપૂર્વક લોકોની રાષ્ટ્રવાદની નાડ પર હાથ રાખવાની કોશિશ કરે છે. મુખ્યપ્રધાન કમલનાથે ભોપાલમાં શૌર્ય સ્મારક ખાતે યોજાયેલા આવા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આવા જ પ્રયાસના ભાગરૂપે છત્તીસગઢની કોંગ્રેસી રાજ્ય સરકારે નવમી માર્ચે એવી જાહેરાત કરી કે ત્રાસવાદ વિરોધી કાર્યવાહીમાં શહીદ થયેલા સૈન્ય અને અર્ધલશ્કરી દળોના જવાનોની વિધવાઓને સરકારમાં નોકરી અપાશે, તેમનાં સંતાનોના શિક્ષણની જવાબદારી સરકાર ઉઠાવશે. એ જ રીતે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રાજ્યના સરહદી વિસ્તારોની મુલાકાત લઇને બીએસએફના જવાનોના કલ્યાણની યોજનાઓની જાહેરાત કરી. યુદ્ધની વિધવાઓના પેન્શનમાં વધારો કરવામાં આવ્યો.

એવું જ પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ પણ કર્યું. તેમણે પુલવામામાં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા રાજ્યના સીઆરપીએફના બે જવાનો બાબુ સાંતરા અને સુદીપ બિશ્વાસના પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાય અને પરિવારની વ્યક્તિને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી. મમતા સરકારના કેબિનેટ પ્રધાનોએ સૈનિકોના પરિવારો માટે વીસેક લાખ રૂપિયાનું ફંડ એકત્રિત કર્યું.

કેરળમાં સામ્યવાદી મુખ્યપ્રધાન પિનરાઇ વિજયને બાલાકોટની એર સ્ટ્રાઇકને મામૂલી કાર્યવાહી ગણાવવાની ભૂલ કરી હતી, પરંતુ પછીથી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાને મુક્ત કર્યા ત્યારે તેમની સુરક્ષિત વાપસીનું સ્વાગત કર્યું, જોકે સીપીએમના મુખપત્રમાં પક્ષના રાજ્યના મંત્રી કોડિયરી બાલાકૃષ્ણને વડા પ્રધાન અને ભાજપ પર પરિસ્થિતિનો રાજકીય લાભ લેવાના આક્ષેપ કર્યા.

સશસ્ત્ર દળોમાં પ્રમાણમાં ઓછું પ્રતિનિધિત્વ ધરાવતા તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે પણ સેનાના જવાનો અને તેમના પરિવાર પ્રત્યે લાગણી દર્શાવવામાં કોઇ કચાશ રાખી નહીં. તેમણે રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક પીડિત જવાનના પરિવારને રૂ. ૨૫ લાખના અનુદાનની જાહેરાત કરી. આમ, હવે રાષ્ટ્રવાદના મુદ્દે પણ ભાજપ અને અન્ય વિરોધ પક્ષોની ટક્કર થવા જઇ રહી છે. ભાજપના રાષ્ટ્રવાદ સામે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો પણ રાષ્ટ્રવાદ દ્વારા જ પ્રતિકાર કરવાના મૂડમાં છે.•

You might also like