ચૂંટણી આવતાં વિપક્ષો EVMનો રાગ આલાપે છે

હાલમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે રાજકીય પક્ષો અને કેટલાક લોકોએ ઇવીએમને બદનામ કરવાનો જાણે કે ઠેકો લીધો હોય તેમ લાગી રહ્યું છે. આવા લોકો સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પણ સંતુષ્ટ નથી. અધૂરી હકીકતોના આધારે ઇલેકટ્રોનિક વોટિંગ મશીનને શંકાસ્પદ ગણવાનું અભિયાન ફરીથી શરૂ થઇ રહ્યું છે તેમાં કંઇ આશ્ચર્ય પામવા જેવું લાગતું
નથી. ઇવીએમની વિરુદ્ધમાં તાજેતરમાં આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ પહેલ કરી હતી.

આંધ્રપ્રદેશમાં વિધાનસભા અને લોકસભાના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન તેઓને અંદાજ આવી ગયો કે ચૂંટણીનાં પરિણામો તેમની તરફેણમાં આવે તેમ લાગતું નથી. તેેથી તેઓ ચૂંટણીપંચના અધિકારીઓને મળવા માટે ઇવીએમમાં ચોરીના આરોપીને સાથે રાખીને તેને ટેકનિકલ નિષ્ણાત તરીકે રજૂ કરીને જે રીતે ફરિયાદ કરી હતી તેના પરથી તેમના ઇરાદા સામે સવાલ ઊભા થયા હતા. રહ્યા છે. ચંદ્રાબાબુ એવી વ્યકિત છે, જે છેલ્લા એક દાયકાથી એવું સાબિત કરવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યા છે કે ઇવીએમમાં ચેેડાં થઇ શકે છે. આવાં વિઘ્ન સંતોષી કેટલાંય તત્ત્વો છે.
|
આવી જ એક બીજી વ્યકિત છે કે જેમણે તાજેતરમાં લંડનમાં ઇવીએમ હેક કરી શકાય છે તેવા વિચિત્ર અને હાસ્યાસ્પદ દાવા કર્યા હતા. આ પ્રકારનો દાવો દિલ્હી વિધાનસભામાં પણ એક નકલી ઇવીએમ દ્વારા કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે ચૂંટણીપંચે ઇવીએમ હેક કરી આપવાનો પડકાર ફેંક્યો ત્યારે આ ચેલેન્જ ઉપાડી લેવા માટે કોઇ આગળ આવ્યું નહોતું.

સમસ્યા ફક્ત એ નથી કે વખતોવખત કેટલાક રાજકીય પક્ષો ઇવીએમની વિરુદ્ધમાં ફરિયાદો લઇને આગળ આવે છે, પરંતુ સમસ્યા એ છે કે અફવા આધારિત આવી ફરિયાદોને મીડિયાના કેટલાક લોકો હવા આપે છે. તેના કારણે સમયાંતરે એવા સમાચાર પ્રસિદ્ધ થતા રહે છે કે ઇવીએમમાં કોઇ પણ બટન દબાવવાથી વોટ ફકત એક જ પક્ષના ખાતામાં પડે છે.

ઘણી વાર ઇવીએમની ટેકનિકલ ખામીને પણ એવી રીતે રજૂ કરવામાં આવે છે, જાણે કે તેમાં ચેડાં કરી શકાય છે. દુનિયાનું કોઇ પણ મશીન ટેકનિકલ રીતે ગમે ત્યારે ખોટકાઇ શકે છે અને મતદાન દરમિયાન ઇવીએમમાં ફોલ્ટ આવવાની સમસ્યા શોધવાની જરૂર છે, પરંતુ તેના કારણે ઇવીએમમાં ચેડાં થઇ શકે છે એ એવો ખોટો આક્ષેપ કરવો એ અયોગ્ય છે.

કેટલાક રાજકીય નેતાઓ તો બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માગણી કરી રહ્યા છે અને આ રીતે તેઓ ફરીથી ૧૯મી સદીમાં જવાની વાતો કરે છે એ આજના અદ્યતન ટેકનોલોજીના યુગમાં કેટલા અંશે યોગ્ય અને વાજબી છે? આ તો એવી વાત થઇ કે ટ્રેન દુર્ઘટના બાદ કોઇ બળદગાડા યાત્રા ફરી શરૂ કરવાની વાત કરે.

બીજી એક વાત એ સમજાતી નથી કે ર૧ રાજકીય પક્ષો કયા આધારે પ૦ ટકા મતદાન ‌િસ્લપ ઇવીએમ-વીવીપીએટી સાથે ટેલી કરવાની માગણીને લઇને સુપ્રીમ કોર્ટ જવા માગે છે? સુપ્રીમ કોર્ટે હજુ થોડા સમય પહેલાં જ એવો આદેશ કર્યો હતો કે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રમાં એકના બદલે પાંચ ચૂંટણી મથકની મતદાન ‌િસ્લપોની ટેલી ઇવીએમ સાથે કરવામાં આવે. શું તેમને સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય પણ માન્ય નથી?

અલબત્ત, રાજકીય પક્ષો સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવવા માટે સ્વતંત્ર છે, પરંતુ જરૂર છે કેટલાક નેતાઓએ ઇવીએમ પર ભરોસો પ્રસ્થાપિત કરવાની. આમ, ઇવીએમની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવવાની જરૂર નથી. કોઇ વાર ઇવીએમમાં ગરબડ થાય તો તેનો અર્થ એ નથી કે ઇવીએમ સાથે ચેડાં થઇ શકે છે? જો ચેડાં થતાં હોત તો તાજેતરમાં ત્રણ રાજ્યની ચૂંટણીનાં પરિણામ કોંગ્રેસની તરફેણમાં આવ્યાં ન હોત. આથી વિરોધ પક્ષના નેતાઓએ હવે ઇવીએમના મામલે વકીલ જેવી વર્તણૂક કરવી જોઇએ નહીં.

You might also like