વિપક્ષ સાથ આપે તો અમે રામમંદિર બનાવી દઈશુંઃ નિરંજન જ્યોતિ

લખનૌ: કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ રાજ્ય પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિએ આજે જણાવ્યું હતું કે વિરોધ પક્ષો લોકસભામાં સાથ આપે તો અમે અયોધ્યામાં રામ મંદિર બનાવી દઈશું. તેમણે જણાવ્યું હતું કે આ કેસ અદાલતમાં પડતર હોવાથી તેમની સરકાર આનાથી કંઈ વિશેષ કરી શકતી નથી.

પાટનગર ખાતે એક કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય પ્રધાન નિરંજન જ્યોતિએ જણાવ્યું હતું કે ભાજપ પર રામમંદિરને મુદ્દો બનાવવાનો આક્ષેપ થાય છે, પરંતુ વિરોધ પક્ષ વારંવાર રામમંદિરની વાત કરે છે. હિંદુ મહાસભા કે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા પણ હવે રામમંદિર નિર્માણની વાતો કરવામાં આવતી નથી. રામ મંદિરનો કેસ અદાલતમાં છે એટલા માટે સરકાર પહેલ કરી શકે નહીં. તેમ છતાં જો વિરોધ પક્ષો લોકસભામાં સહકાર આપે તો રામમંદિરનું નિર્માણ થઈ શકે છે.

ઉત્તર પ્રદેશમાં ગુંડારાજ અંગે વાત કરતાં સાધ્વી નિરંજન જ્યોતિએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકાર પછાતો, દલિતો, વેપારીઓ અને સામાન્ય પ્રજાનું ઉત્પિડન કરી રહી છે અને ત્યાં ગુંડારાજ ચાલે છે. તાજેતરની જિલ્લા પંચાયત ચૂંટણીમાં વહીવટીતંત્રએ સપાના કાર્યકરની જેમ જ કામ કર્યું હતું. જનતા હવે બધું સમજી ગઈ છે અને ૨૦૧૭ની ચૂંટણીમાં સપા સરકારને પાઠ ભણાવશે. મુલાયમસિંહને વિરાસત સોંપવા માટે પુત્ર સિવાય કોઈ મળી રહ્યું નથી.

You might also like