સંસદનાં બંને ગૃહમાં નોટબંધીના મુદ્દે વિપક્ષ દ્વારા ગૃહ મોકૂફી પ્રસ્તાવ રજૂ

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે એટલે કે આજે ગુરુવારે પણ સંસદમાં નોટબંધીનો મુદ્દો જોરશોરથી ઉછાળવામાં આવશે. કોંગ્રેસ, ડાબેરી અને ટીએમસી સહિત વિરોધ પક્ષોએ રૂ.પ૦૦ અને ૧,૦૦૦ની જૂની નોટો બંધ કરવાના મુદ્દા પર આજે સંસદનાં બંને ગૃહમાં સભામોકૂફી દરખાસ્તનો પ્રસ્તાવ રજૂ કરી દીધો છે. વિરોધ પક્ષો આ પ્રસ્તાવ દ્વારા સરકારના નિર્ણયના કારણે સામાન્ય લોકો, ખાસ કરીને ખેડૂતો, મજૂરો અને નાના વેપારીઓને પડી રહેલી હાલાકી તરફ સરકારનું ધ્યાન દોરવા માગે છે.

વિરોધ પક્ષોએ લોકસભા-રાજ્યસભામાં સભામોકૂફી દરખાસ્ત રજૂ કરી છે. જો આ પ્રસ્તાવ સ્પીકર માન્ય નહીં રાખે તો ગૃહમાં પ્રશ્નોત્તરી પણ ચાલશે અને નોટબંધી પર ચર્ચા માટે આજે બપોરે બેથી સાંજના છ વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. ચર્ચા બાદ સરકાર તરફથી નાણાપ્રધાન અરુણ જેટલી પોતાના જવાબ સાથે સરકારનો પક્ષ રજૂ કરશે.

કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદ સહિત વિરોધ પક્ષોએ એવી માગણી કરી છે કે ચર્ચા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહે. બુધવારે ચર્ચા દરમિયાન સપા, બસપા, જદયુ, સીપીઆઇએમ સહિત તમામ વિરોધ પક્ષોએ એકી અવાજે જેપીસી તપાસની માગણી કરી હતી. કોંગ્રેસે જણાવ્યું હતું કે અમારા હકના પૈસા છે અને તેને ઉપાડવામાં સરકાર પ્રતિબંધ કઇ રીતે મૂકી શકે. જોકે સરકારે જણાવ્યું હતું કે ત્રણ-ચાર દિવસમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી જશે.

You might also like