ઓરી-અછબડાનાં રસીકરણ સામે કેટલીક ખાનગી શાળાઓનો વિરોધ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત ૧૬ જુલાઇથી શહેરભરમાં ઓરી-અછબડાના રસીકરણનું અભિયાન હાથ ધરાયું છે. નવ મહિનાથી ૧પ વર્ષ સુધીનાં બાળકોને ઓરી-અછબડા સામે સુરક્ષા પૂરી પાડવા તંત્રના આ અભિયાન હેઠળ આશરે ૧૬ લાખ બાળકોને આવરી લેવાશે, જેમાં ખાનગી શાળામાં ભણતાં બાળકોનો પણ સમાવેશ થાય છે, જોકે કેટલીક ખાનગી શાળાઓમાં આ રસીકરણ સામે વિરોધ ઊઠતાં સત્તાવાળા દ્વારા સમજાવટ હાથ ધરાઇ છે.

રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ નવ મહિનાથી ૧પ વર્ષ વચ્ચેની વય ધરાવતાં બાળકોને ઓરી-અછબડાની રસી આપવાની કામગીરી હાથ ધરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટર, આંગણવાડી કેન્દ્રો તેમજ શાળામાં બાળકોને આ રસી અપાઇ રહી છે. સતત એક મહિના સુધી આ અભિયાન ચાલશે. અત્યાર સુધીમાં ૧.પ લાખ બાળકોને રસી અપાઇ ચૂકી છે.

શહેરની કેટલીક ખાનગી શાળાઓએ રસીકરણનો વિરોધ કર્યો છે. અમુક શાળાઓએ રસીકરણને લગતી સઘળી જવાબદારી વાલીઓના માથે થોપી છે. જો રસીકરણની કોઇ આડઅસર થાય તો તેની જવાબદારી જે તે વાલીના શીરે હોઇ તેમની પાસેથી તે મુજબની બાંયધરી લેવાય છે, પરંતુ કેટલીક પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓ ઉપરાંતની શાળાઓમાં મ્યુનિ. તંત્રના રસીકરણ સામે વિરોધના સૂર ઊઠ્યા છે.

વેક્સિનેશનનો હવાલો સંભાળતા ડો. દિવ્યાંગ ઓઝા કહે છે, વિરોધ કરતી શાળાઓને સમજાવવાની કામગીરી રાજ્ય સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા કરાઇ રહી છે. અલબત્ત, આવી શાળાઓની યાદી મારા વિભાગ પાસે નથી.

બીજી તરફ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના શાસનાધિકારી એલ. ડી. દેસાઇ કહે છે, અમારી ૩૮૦ શાળામાં રસીકરણ અભિયાનને વાલીઓનો પૂર્ણ સહયોગ મળી રહ્યો છે. આ દરમિયાન ગઇ કાલે મણિનગરની મુક્તજીવન શાળાના ધો.૮ના વિદ્યાર્થી ધવલને રસીકરણની આડઅસર થઇ હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે મ્યુનિસિપલ હેલ્થ વિભાગના વડા ડો.ભાવિન સોલંકીને પૂછતાં તેઓ કહે છે કે બાળકને સામાન્ય ગભરામણ થઇ હતી, બાકી રસીકરણની કોઇ આડઅસર નથી. ખાનગી શાળાઓમાં રસીકરણનો કાર્યક્રમ રાબેતા મુજબ ચાલતો રહેશે.

You might also like