ઓપિનિયન પોલઃ ઉત્તરાખંડ, ગોવા, મણિપુરમાં ભાજપનો ભગવો લહેરાશે

નવી દિલ્હી: ઓપિનિયન પોલ અનુસાર જો આજે ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ચૂંટણી યોજવામાં આવે તો ત્રણેય રાજ્યોમાં ભાજપનો ભગવો ફરતો જોવા મળી રહ્યો છે. પૂર્વોત્તર રાજ્યમાં આસામ પછી હવે મણિપુરમાં પણ ભાજપ હવે પોતાની સરકાર રચવાનો કરિશ્મા બતાવી શકે છે. અરુણાચલમાં પણ ભાજપ હવે સત્તામાં ભાગીદાર છે.

ઈન્ડિયા-ટુડે-એક્સિસ ઓપિનિયન પોલ અનુસાર ઉત્તરાખંડમાં કોંગ્રેસને જોરદાર ફટકો પડી શકે છે અને ભાજપને બહુમતી મળી શકે છે. આ પોલ અનુસાર ૭૦ સભ્યોનું સંખ્યા બળ ધરાવતી ઉત્તરાખંડ વિધાનસભામાં ભાજપને ૪૮થી ૪૩ બેઠક મળી શકે છે. જ્યારે કોંગ્રેસને ૨૬થી ૩૧ અને અન્ય પક્ષને ૧થી ૪ બેઠક મળી શકે છે. ભાજપને ૪૩ ટકા, કોંગ્રેસ ૩૯ ટકા અને અન્ય પક્ષોને ૧૮ ટકા વોટ પ્રાપ્ત થઈ શકે છે.

એ જ રીતે ગોવામાં ભાજપને ૩૮ ટકા અને કોંગ્રેસને ૩૪ ટકા વોટ મળી શકે છે. આમ આદમી પાર્ટીને ૧૬ ટકા વોટ મળી શકે છે. ૪૦ સભ્યોના વિધાનગૃહમાં ભાજપને ૧૭થી ૨૧ કોંગ્રેસને ૧૩થી ૧૭ અને ‘આપ’ને એકથી ત્રણ બેઠક મળી શકે છે.

ઓપિનિયન પોલ અનુસાર મણિપુરમાં પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાઈ શકે છે. અહીં ૬૦ સભ્યના વિધાનગૃહમાં ભાજપને ૩૧થી ૩૫, કોંગ્રેસને ૧૯થી ૨૪ અને અન્ય પક્ષોનાં ખાતામાં બેથી ચાર બેઠક જઈ શકે છે અને આમ મણિપુરમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે.

You might also like