ઉ.પ્ર., પંજાબ, ગોવામાં કોઈને બહુમતી નહીં મળેઃ અોપિનિયન પોલના તારણો

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગોવામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમતી મળવાની સંભાવના નથી. જ્યારે ઉત્તરાખંડમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાની આશા છે, એવો દાવો એક ઓપિનિયન પોલમાં કરવામાં આવ્યો છે. ‘ધ વીક-હંસા રિસર્ચ’ની ઓપિનિયન પોલ અનુસાર ઉત્તર પ્રદેશ અને ગોવામાં ભાજપમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવશે, જ્યારે પંજાબમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠકો મળી શકે છે.

ઓપિનિયન પોલનાં પરિણામોમાં જણાવાયું છે કે ઉત્તર પ્રદેશમાં ૪૦૩ બેઠકોમાંથી ભાજપને ૧૯૨થી ૧૯૬ બેઠકો મળી શકે છે. સમાજવાદી પાર્ટી-કોંગ્રેસનાં ગઠબંધનને ૧૭૮થી ૧૮૨ બેઠકો મળી શકે છે, જ્યારે બહુજન સમાજ પાર્ટી માત્રે ૨૦થી ૨૪ બેઠકો સાથે ત્રીજા સ્થાને રહેશે. અન્યને પાંચથી નવ બેઠકો મળી શકે છે. ઓપિનિયન પોલના તારણોમાં જણાવાયું છે કે પંજાબમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવશે અને તેને ૪૯થી ૫૧ બેઠકો મળી શકે છે, જ્યારે ૧૧૭ સભ્યોના વિધાનસભા ગૃહમાં આમ આદમી પાર્ટી ૩૦થી ૩૫ બેઠકો સાથે બીજા નંબરે રહેશે. શીરોમણી અકાલી દળ અને ભાજપના ગઠબંધનને માત્ર ૨૮થી ૩૦ ટિકિટો મળશે.

ઉત્તરાખંડમાં માત્ર સંપૂર્ણ બહુમતી વાળી સરકાર બનશે
ઉત્તરાખંડમાં ભાજપને ૭૦ સભ્યોના વિધાનગૃહમાંથી ૩૭-૩૯ મળી શકે છે, જ્યારે શાસક કોંગ્રેસને ૨૭થી ૨૯ બેઠકો મળશે. બસપાને એકથી ત્રણ બેઠકો પર વિજય મળી શકે છે.

ગોવામાં ભાજપ સૌથી મોટો પક્ષ બનશે
ઓપિનિયન પોલ અનુસાર ગોવાની ૪૦ બેઠકોમાંથી શાસક ભાજપ ૧૭-૧૯ બેઠકો પર વિજય મેળવીને સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવશે, જ્યારે બીજા નંબર પર કોંગ્રેસ રહેશે અને તેને ૧૧થી ૧૩ બેઠકો મળશે. ‘આપ’ને માત્ર બેથી ચાર બેઠકો મળશે.
http://sambhaavnews.com/

You might also like