2011માં સર્જિકલ સ્ટ્રાઇક, 3 પાકિસ્તાની સેનાના માથા લાવ્યા હતાં ભારતીય જવાનો?

નવી દિલ્હી: ભારતીય જવાનોએ જૂલાઇ 2011ના રોજ સર્જીકલ સ્ટ્રાઇક કરી હોવાનો એક અંગ્રેજી અખબારે ખુલાસો કર્યો છે. અંગ્રેજી અખબારે ખુલાસો કરતા જણાવ્યુ હતું કે, ભારતીય સેનાએ જૂલાઇ 2011માં એલઓસી પાર કરીને જિંજરમાં પાકિસ્તાની સૈનિકોને પાઠ ભણાવ્યો હતો. જ્યારે આતંકી હુમલામાં ભારતના 6 જવાન શહીદ થયા હતા ત્યારે પાકિસ્તાની સેનાની કાર્યવાહીના જવાબમાં જિંજર ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. કાર્યવાહીમાં ભારતીય સેના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસી ગઇ હતી અને 8 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા. જેમાંથી 3 સૈનિકોના માથા કાપી નાખ્યા હતા.

એનાથી જોડાયેલા કેટલાક દસ્તાવેજો પણ સામે આવ્યા છે. કુપવાડા બેસ 28 ડિવિઝનના રિટાયર્ડ મેજર જનરલ એસકે ચક્રવર્તીએ ભારતના સર્જિકલ સ્ટ્રાઇકનું પ્લાનિંગ અને એક્ઝેક્યૂટીવ કર્યું હતું. તેમણે કાર્યવાહીની પુષ્ટિ કરી છે, પરંતુ વધારે જાણકારી આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતા વિગતો અનુસાર પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમે 30મી જુલાઈ 2011ના રોજ કુપવાડાના ગુગલધરમાં રાજપૂત અને કુમાઉ રેજિમેન્ટના છ સૈનિકો પર હુમલો કર્યો હતો. પાકિસ્તાની સૈનિકો જયપાલ સિંહ અધિકારી અને લાંસનાયક દેવેન્દ્ર સિંહના માથાં પોતાની સાથે લઈ ગયા હતાં. આ હુમલામાં 19 રજપૂતનો એક જવાન ઘાયલ થયો હતો જેનું પાછળથી મૃત્યુ થયું હતું

પાકિસ્તાનની આ નાપાક હરકતનો જવાબ આપવા માટે ભારતીય સેનાએ ઓપરેશન જિંજરનો પ્લાન બનાવ્યો હતો. એવું કહેવાય છે કે આ કાર્યવાહી એ ભારતીય સેનાના ઈતિહાસનો સૌથી ઘાતક પલટવાર હતો. આ મિશન હેઠળ પાકિસ્તાનની ત્રણ ચોકીઓને નિશાન બનાવાઈ. ગુપ્ત રિપોર્ટ મુજબ ગુગલધર હુમલાનો બદલો લેવા માટે સેનાએ અલગ અલગ ટીમો બનાવી હતી. વાસ્તવમાં ભારતીય સેના પાસે ઘૂસણખોરીની કોશિશમાં માર્યા ગયેલા આતંકીઓ પાસેથી એક વીડિયો ક્લિપ હાથ લાગી હતી જેમાં પાકિસ્તાની સૈનિકો અધિકારી અને સિંહના કપાયેલા માથાંને ઘેરીને ઊભેલા જોવા મળ્યા હતાં.

ક્રોધિત થયેલી સેનાએ બે મહિના બાદ 30મી ઓગસ્ટના રોજ ઓપરેશન જિંજર દ્વારા બદલો લેવાનું નક્કી કર્યું. જેના માટે મંગળવાર પસંદ કરાયો. હુમલામાં 25 સૈનિકોએ ભાગ લીધો જેમાં મોટા ભાગના પેરાકમાન્ડો સામેલ હતાં. 29 ઓગસ્ટની વહેલી સવારે ત્રણ વાગ્યે તમામ સૈનિકો લોન્ચિંગ પેડ ઉપર પહોંચ્યા અને હુમલાની તાકમાં રાતના 10 વાગ્યા સુધી છૂપાઈને બેસી રહ્યાં. ત્યારબાદ એલઓસી પાર કરવામાં આવી. 30 ઓગસ્ટની સવારે ચાર વાગ્યે ભારતીય જવાનો હુમલાની તૈયારીમાં લાગી ગયાં.

papers

30 ઓગસ્ટની સવારે સાત વાગ્યે સૈનિકોએ એક જેસીઓ સાથે ચાર પાક સૈનિકોને ફાયરિંગની જગ્યાએ આગળ વધતા જોયા હતાં. રાહ જોયા બાદ માઈન્સને ઉડાવી દેવાઈ જેથી કરીને ચારે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. તાકમાં બેઠેલી ભારતીય ટુકડીએ ત્રણ પાકિસ્તાની સૈનિકોના માથાં વાઢી લીધા જ્યારે એક સૈનિક ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ જવાનો મૃતદેહો નીચે આઈડી બિછાવીને પાછા ફરી ગયા હતાં.

આ ઓપરેશન 45 મીનિટ સુધી ચાલ્યું હતું. ઓપરેશનને અંજામ આપ્યા બાદ ભારતીય સેનાની પહેલી ટુકડી સવારે 7.45 વાગ્યે પાછી ફરી ગઈ હતી. જ્યારે બીજી ટુકડી બપોરે 12 વાગ્યે અને ત્રીજી ટુકડી 2.30 વાગ્યે પાછી ફરી હતી. આ હુમલામાં કુલ 8 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતાં. જ્યારે બે થી ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. ભારતીય સૈનિકો ત્રણ પાકિસ્તાની સૈનિકોના સુબેદાર પરવેઝ, હવલદાર આફતાબ અને નાયક ઈમરાનના માથા કાપીને લેતી આવી હતી.

You might also like