Operation All Out: એક જ વર્ષમાં સેનાએ ૨૨૦ આતંકીઓનો ખાતમો બોલાવ્યો

દેશમાં નોટબંધી જેવા આકરા નિર્ણયો બાદ કાશ્મીરમાં પથ્થરમારાના બનાવોમાં ખૂબ જ ઘટાડો થયો છે. હવે તો પથ્થરમારાની ઘટના ભાગ્યે જ નોંધાય છે, કેમકે, પથ્થમારો કરનારા લોકો સામે પણ લશ્કરે કડક હાથે કામ લેવાની શરૂઆત કરી છે. પથ્થરબાજોને છૂટા હાથે મળતાં નાણાં બંધ થયા પછી આવી ઘટનાઓ ઓછી થઇ છે.

ભારતનાં સુરક્ષા દળો દ્વારા ૨૦૧૭થી ‘ઓપરેશન ઓલ આઉટ’ની શરૂઆત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણપણે શાંતિ ન સ્થપાય ત્યાં સુધી ત્રાસવાદીઓ સામેનો આ જંગ જારી રહેશે એમાં કોઇ શંકા નથી. પણ આ વખતે પહેલી જ વાર એવું થયું છે કે ત્રાસવાદીઓ ગભરાયા છે અને સુરક્ષા દળના જવાનોને સફળતા મળી રહી છે.

૨૦૧૭ના વર્ષમાં શરૂ થયેલા આ ઓપરેશન બાદ ૨૨૦ ત્રાસવાદીઓનો ખાતમો સમગ્ર વર્ષમાં કરી દેવાયો છે અને અત્યારના પાંચ મહિનામાં આ આંક ૭૨ સુધી તો પહોંચી જ ગયો છે. ભારતીય લશ્કરને મળેલી આ સફળતા નાની-સૂની તો નથી જ.

છેલ્લા કેટલાંક સમયથી વિશ્વમાં ખૂબ ફેરફારો થઇ રહ્યા છે. લાંબા સમયની દુશ્મની ભુલીને દેશો એક બનવા લાગ્યા છે. તેનો સૌથી મોટો દાખલો ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા છે. વડા પ્રધાન મોદીએ ચીન તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે, તેની બીજી અસર એ જોવા મળી છે કે પાકિસ્તાન થોડું કુણુ પડ્યું છે.

આટલાં વર્ષમાં પહેલી જ વાર પાકિસ્તાનના લશ્કરી વડાએ દર વર્ષે યોજાતી પાકિસ્તાન ડે પરેડમાં ભારતના પ્રતિનિધિને પણ હાજર રહેવાનું આમંત્રણ મોકલાવ્યું હતું. આટલું ઓછું હોય તેમ સપ્ટેમ્બર મહિનામાં રશિયામાં યોજાનારી સંયુક્ત લશ્કરી કવાયતમાં ભારતની સાથે જ ચીન અને પાકિસ્તાન પણ જોડાવાનું છે.

આ બધાં જ લક્ષણો સારાં જ છે. પાક.ના લશ્કરી વડા જનરલ કમર જાવેદ બાજવા એકદમ ભારત વિરોધી છે, પણ તેમને પણ એ સમજાઇ ગયું છે કે ભારત સાથે લશ્કરી તાલમેલ સધાશે તો જ પાકિસ્તાનમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે.

જોકે પાકિસ્તાન અને ચીન આપણા પડોશી દેશ છે, પરંતુ બંને પર ભરોસો કરવા જેવો નથી. તેમના દેખાવની ઉપર જવા જેવું જરાય નથી. આ બંને ક્યારેય પોતાની અવળચંડાઇ છોડે એવા નથી એક તરફ જનરલ બાજવા શાંતિ સ્થાપવાની વાત કરે અને બીજી તરફ તેમનું જ લશ્કર જમ્મુ-કાશ્મીરનાં સરહદી ગામો પર આડેધડ બોમ્બમારો ચાલુ કરી દે છે. આટલું ઓછું હોય એમ પાકિસ્તાનની ત્રાસવાદી છાવણીમાં તૈયાર થયેલા ત્રાસવાદીઓ ભારતની જમ્મુ-કાશ્મીર સરહદેથી ઘૂસીને આડેધડ હત્યાઓ કરતા રહે છે.

જોકે ભારતીય લશ્કરના જવાનોએ આ કારણે એક સાથે અનેક મોરચે લડવાનું હોય છે, એક તો સરહદ પર કરાતા પાક. લશ્કરના આડેધડ ગોળીબાર, બોમ્બમારાના વળતા જવાબ આપવાના હોય છે, તો બીજી બાજુ કાશ્મીરમાં ઘૂસેલા ત્રાસવાદીઓને નાથવા હોય છે અને ત્રીજી બાજુ ત્રાસવાદીઓનો બચાવ કરનારા સ્થાનિકોના પથ્થરમારાનો વળતો જવાબ આપવાનો હોય છે.

છેલ્લા કેટલાક સમયથી લશ્કરને છૂટો દોર અપાયો છે અને તેમણે કાશ્મીરમાંથી ત્રાસવાદીઓને ખતમ કરવા માટે ‘ઓપરેશન ઓલ આઉટ’ ચાલુ કર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ‘લશ્કર-એ- તૈયબા’ ’જૈશ એ મોહમ્મદ’ , ‘હિજબુલ મુજાહિદ્દીન’ અને ‘અલ બદર’ના ત્રાસવાદીઓ આતંક મચાવવા ઘૂસી આવે છે અને ભારતીય લશ્કરના જવાનો પર વારંવાર હુમલા કરે છે.

પણ છેલ્લાં પાંચ મહિનામાં (મે મહિનાના તો હજી છ દિવસ થયા છે) ભારતના જવાનોએ ૭૨ ત્રાસવાદી ઠાર થવા છતાં સરહદ પારથી નવા-નવા ત્રાસવાદીઓ સતત ઘૂસતા જ રહે છે અને તેનો કોણ આશ્રય આપે છે, તે તો હવે આખા વિશ્વને ખબર પડી યઇ છે.

એક સમય એવો હતો કે ત્રાસવાદીઓ કરતાં લશ્કરના શહીદોની સંખ્યા વધારે હતી, પરંતુ હવે ધીરે ધીરે તેનાં પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આમ તો દેશની સરહદો પર જે રીતે આતંકી હુમલા વધી રહ્યા છે તેને નાથવા ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલાં ઓપરેશન ઓલ આઉટના કારણે માત્ર એક વર્ષમાં જ સેનાને સારી સફળતા મળી છે તે જોતા તેને હવે વધુ અસરકારક બનાવવાની દિશામાં સેના તરફથી ખાસ પ્રયાસ કરવામા ‍આવી રહ્યા છે. જેમાં આપણા કેવી સફળતા મળે છે તે જોવુ રહ્યુ.

You might also like