CM કેપ્ટન અમરિંદરે કહ્યુંઃ ISIનો ગેમ પ્લાન છે કરતારપુર કોરિડોર

ચંડીગઢ: પંજાબ સરકારના પ્રધાન નવજોતસિંહ સિદ્ધુ ભલે પાકિસ્તાન તરફથી કરતારપુર કોરિડોરની પહેલની પ્રશંસા કરી ચૂક્યા હોય, પરંતુ પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે તેને આઈએસઆઈનો ગેમ પ્લાન ગણાવ્યો છે. કેપ્ટન અમરિંદરસિંહે જણાવ્યું કે કરતારપુર કોરિડોર પાકિસ્તાની સેનાની એક મોટી ચાલ છે.

તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ ઈમરાનખાનના વડા પ્રધાન બનતા પહેલા જ સિદ્ધુની સામે કરતારપુર કોરિડોર ખોલવાના સમાચારોનો ખુલાસો કરી દીધો હતો.

કેપ્ટને કહ્યું કે કરતારપુર કોરિડોર સ્પષ્ટ રીતે આઈએસઆઈનો એક ગેમ પ્લાન છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ રચાયેલી આ એક મોટી સાજિશ લાગે છે. મુખ્યપ્રધાનના એક ઓફિશિયલ નિવેદન મુજબ તેમણે સ્વીકાર કર્યું છે કે પાકિસ્તાન પંજાબમાં આતંકવાદને પુનઃ જી‌િવત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને તેથી આપણે બધાએ તેની પહેલથી સાવધાન થઈ જવું જોઈએ.

સિદ્ધુ બાબતે તેમણે કહ્યું કે તેને જરૂરિયાત કરતા વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે અને જે આ મુદ્દો ઉઠાવી રહ્યા છે તેઓ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે કે આ આઈએસઆઈનો ગેમ પ્લાન છે.

મુખ્યપ્રધાને સિદ્ધુ સાથે પોતાના સંબંધોને લઈને િવવાદ ઊભો કરવા પર અકાલી દળ અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ પર હુમલો કર્યો. અમરિંદરસિંહે કહ્યું કે કરતારપુર સાહેબ કોરિડોર ખોલવાની માગણી વિભાજન બાદથી પેન્ડિંગ હતી કેમ કે પવિત્ર શીખ ધાર્મિક સ્થળ પાકિસ્તાનમાં રહી ગયા હતા. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને ડો. મનમોહનસિંહે કરતારપુર કોરિડોર ખોલવાનો મુદ્દો પાકિસ્તાન સમક્ષ ઉઠાવ્યો હતો.

તેમણે એમ પણ કહ્યું કે તેમણે ખુદ પણ મુખ્યપ્રધાનના રૂપમાં પોતાના અગાઉના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાની પંજાબના તત્કાલીન પોતાના સમકક્ષ પરવેઝ ઈલાહી અને તે સમયે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ રહેલા પરવેઝ મુશર્રફ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

You might also like