કોંગ્રેસની ટિકિટ માટે ‘પાસ’ના કન્વીનરનો ખુલ્લો બળવો, હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરવી પડી રદ

અમદાવાદ: પાટીદાર સમાજ માટે અનામત આંદોલનની લડત આપનાર ‘પાસ’માં હવે ટિકિટોના મામલે જબ્બર ધમસાણ મચ્યું છે. ગયા રવિવારે કોંગ્રેસની ૭૭ ઉમેદવારના નામની જાહેરાત થતાંની સાથે ‘પાસ’નાં તડાં સપાટી પર આવ્યાં છે. હાર્દિક પટેલના વિશ્વાસુ ગણાતા દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથીરિયા વિરુદ્ધ પાસના અન્ય કન્વીનરોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. ‘પાસ’માં આંતરિક વિખવાદ એટલી હદે વકર્યો છે કે બોટાદ બેઠક માટે ‘પાસ’ના કન્વીનર દિલીપ સાબવાએ હાર્દિક પટેલ સામે જ ખુલ્લેઆમ બળવો પોકાર્યો છે. આને કારણે કોંગ્રેસને ચૂંટણીમાં સમર્થન આપવા થનગનતા હાર્દિકને અમદાવાદની સવારની પત્રકાર પરિષદ રદ કરવાની ફરજ પડી છે. અત્યારે તો હાર્દિક અને કોંગ્રેસના ટોચના નેતાઓ બોટાદનું કોકડું ઉકેલવા અંદરો અંદર ગડમથલમાં પડ્યા છે.

કોંગ્રેસ અને પાસ વચ્ચે પાટીદાર સમાજને અનામત આપવા અંગેની અરસપરસ સંમતિ થઇ હોવાના વહેતા થયેલા સમાચારમાં કોંગ્રેસની રવિવારની યાદીએ ‘પાસ’માં ઉશ્કેરાટ ફેલાવી દીધો છે. કોંગ્રેસના કેટલાક ઉમેદવારો સામે ‘પાસ’ દ્વારા ઉગ્ર અસંતોષ સાથેના દેખાવ તેમજ ઠેર ઠેર તોડફોડ કરાતાં દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથીરિયાની સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.

ખુદ હાર્દિક પટેલે ગઈકાલે મીડિયા સાથેની વાતચીતમાં અનામતની લડાઇમાં પોતાને એકલો પાડી દેવાના છેલ્લી કક્ષાના પ્રયાસો થતા હોવાનું કહીને પોતાના કેટલાક સાથીઓ પર આડકતરું નિશાન સાધ્યું હતું. પાટીદારોને અનામત આપવા મુદ્દે કોંગ્રેસનું વલણ પૂરેપૂરું સકારાત્મક હોઇ હાર્દિક પટેલ આજે સવારે દશ વાગ્યે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસને ‘પાસ’નું સમર્થન જાહેર કરવાનો હતો.

આજની સવારની પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલ ‘પાસ’ના આપસી ટંટા તેમજ સીડીકાંડ સહિતના પોતાના પર લાગેલા આક્ષેપ અંગે પણ રજુઆત કરવાનો હતો.

દરમ્યાન કોંગ્રેસ અને પાસ વચ્ચેની બેઠક બાદ ગઇ કાલે મોડી રાત્રે જૂનાગઢ, ભરૂચ, કામરેજ અને સુરતના વરાછા રોડની બેઠક પરના ઉમેદવારને કોંગ્રેસે બદલી નાખીને ‘પાસ’ને ખુશ રાખવાનો પ્રયાસ કર્યો છે. વરાછા રોડ પર પ્રફુલ્લ તોગડિયા, કામરેજમાં નીલેશ કુંભાણી, જૂનાગઢમાં અમિત ઠુમ્મર અને ભરૂચમાં કિરણ ઠાકોરના સ્થાને ‘પાસ’ની ઇચ્છા મુજબ આ બેઠકો પર ક્રમશઃ ધીરુ ગજેરા, અશોક જીરાવાલા, ભીખાભાઇ જોશી અને જયેશ પટેલને કોંગ્રેસે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. આજે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ હોઇ આ તમામ બેઠકના બદલાયેલા ઉમેદવારને પક્ષ દ્વારા મેન્ડેટ પણ અપાઇ ગયા છે.

તેમ છતાં ‘પાસ’નો ડખો શાંત પડ્યો નથી. હવે બોટાદ બેઠક માટે ‘પાસ’માં બળવાની સ્થિતિ‌ ઉદભવી છે. આ બેઠક માટેના દાવેદાર એવા ‘પાસ’ના કન્વીનર દિલીપ સાબવાએ ખુલ્લેઆમ બંડ પોકાર્યું છે. તેઓ ‘સમભાવ મેટ્રો’ સાથેની વાતચીતમાં કહે છે, કોંગ્રેસે આયાતી ઉમેદવાર મનહર પટેલને ટિકિટ આપી છે, જે મને મંજૂર નથી, કેમ કે હું બોટાદ બેઠકનો દાવેદાર છું. શરૂઆતથી બોટાદ-પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર રહ્યું છે. જો કોંગ્રેસ આ બેઠક પરના આયાતી ઉમેદવારને નહીં બદલે તો આજે હું ત્રીજા પક્ષનું મેન્ડેટ લઇને ચૂંટણીમાં ઝંપલાવીશ.

દિલીપ સાબવાને ત્રીજા પક્ષ માટે સ્પષ્ટતા કરવાનું પૂછતાં તેઓ કહે છે, ત્રીજો પક્ષ કોઇ પણ હોઇ શકે છે. એનસીપી, અાપ કે જનવિકલ્પ. જોકે મેેં હજુ સુધી કોઇ પક્ષ વિચાર્યો નથી.  અલબત્ત દિલીપ સાબવા એનસીપીમાં જોડાય તેવી ચર્ચા છે. જોકે દિલીપ સાબવાએ બળવો પોકારતાં હાર્દિક પટેલને આજે સવારની પૂર્વ નિર્ધારિત પત્રકાર પરિષદ રદ કરવી પડી છે. આ લખાય છે ત્યારે હાર્દિક પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ મૂકીને પત્રકાર પરિષદને રદ કરવાની જાહેરાત પણ થઇ ચૂકી છે.

દરમ્યાન બોટાદનું કોકડું ઉકેલવા કોંગ્રેસના ટોચના નેતાઓ દોડતા થયા છે. કોંગ્રેસ અને પાસ વચ્ચે વધુ એક બેઠક માટે તો મડાગાંઠ પડી છે. પરંતુ દાવેદાર દિલીપ સાબવાએ બળવો કરતાં ‘પાસ’ની તિરાડ વધુ પહોળી થઇ છે. દરમ્યાન દિલીપ સાબવાએ કોંગ્રેસને સવારના ૧૧ વાગ્યા સુધીમાં મેન્ડેટ આપવાનું અલ્ટિમેટમ આપ્યું છતાં પણ હજુ સુધી પક્ષ દ્વારા તેમને મેન્ડેટ અપાયું નથી. આ અંગે તેઓ વધુમાં કહે છે મેં કોંગ્રેસ અને એનસીપી એમ બંને પક્ષ તરફથી ઉમેદવારીના ફોર્મ ભર્યાં છે. આજે બપોરે ૩ વાગ્યા સુધીમાં જો કોંગ્રેસનું મેન્ડેટ નહીં મળે તો એનસીપીનો મેન્ડેટ લઇને ચૂંટણીમાં ઝંપલાવીશ.

You might also like