ચૂંટણીમાં ભાજપના મોદી મોડલની પોલ ખુલી ગઈઃ ભરતસિંહ

ગાંધીનગર: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ભાજપની ભૂંડી હાલે હાર થઈ હોવા છતાં ગુજરાત સર કર્યું હોય તેવો દેખાવ કરી રહી છે. પરંતુ આ ચૂંટણીમાં ગુજરાત નહીં મોદી મોડેલની પોલ ખુલી ગઈ છે તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી બાદ દિલ્હી, બિહાર અને હવે ગુજરાતમાં ખરાબ પરાજય થયો હોવા છતાં તેની વિભાજનની માનસિકતા પરિણામોમાં પણ પ્રદર્શિત કરીને શહેરો અને ગામડાંઓનું અલગ મૂલ્યાંકન કરે છે.

ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ર૪ જિલ્લા પંચાયત અને ૧૩૪ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસને બહુમતી સાંપડી છે. જ્યારે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં પણ કોંગ્રેસ પક્ષનો દેખાવ ઘણો સારો રહ્યો છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં પણ કોંગ્રેસ પક્ષના મતોની ટકાવારીમાં ૧૩ ટકાનો વધારો થયો છે.

રાજ્યના યુવાનો, મહિલાઓ, વેપારીઓ, શ્રમિકો, ખેડૂતો સહિત મધ્યમવર્ગનો કોંગ્રેસ પક્ષ અવાજ બની રહ્યો છે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોનું તારણ કાઢતાં જણાય છે કે ૧૧૬ વિધાનસભા ક્ષેત્રે અને ૧૭ જેટલા લોકસભા ક્ષેત્રોમાં કોંગ્રેસને બહુમતી મળી છે. આ બાબત દર્શાવે છે કે ભાજપ સરકાર પ્રજાલક્ષી કામો કરવામાં સદંતર નિષ્ફળ નિવડી છે. ભાજપની ભ્રષ્ટ નીતિને પ્રજા સુપેરે ઓળખી ગઈ છે.

સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં એક કરોડથી વધુ મતદારોએ કોંગ્રેસ તરફી મતદાન કરીને તેમનો મીજાજ સ્પષ્ટ કરી દીધો છે. અમદાવાદ શહેરમાં જ કોંગ્રેસના મતોમાં ૧૩ ટકાનો સુધારો થયો છે જ્યારે સમગ્ર છ મહાનગરપાલિકામાં ૧૧ ટકા મતોનો સુધારો થયો છે. રાજ્યમાં પંચાયતી રાજનું અસરકારક અમલીકરણ થાય અને નાગરિકોએ સોંપેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક વહન થાય તે માટે દરેક જિલ્લા મોનિટરિંગ કમિટી રચના કરાશે.

તેમણે જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકારે આંદોલન કરનાર યુવાનો પર કિન્નાખોરી રાખીને આડેધડ કેસો કરીને ગંભીર કલમો લગાડવામાં આવી છે. સરકાર દ્વારા યુવાનો સામેના ખોટા કેસો અને કલમો તાકીદે નહીં હટાવાય તો કોંગ્રેસ દ્વારા આંદોલન કરાશે.

આ પ્રસંગે પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા અને જિલ્લા પંચાયતોમાં જનતાએ કોંગ્રેસ પક્ષને ભારે સમર્થન આપ્યું છે સાથોસાથ શહેરી વિસ્તારોમાં પણ વર્ષ ર૦૧૦ની સરખામણીમાં વર્ષ ર૦૧પમાં મતોની ટકાવારીમાં અને બેઠકોમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચ સતત ભાજપ સરકારનો હાથ બનીને કામ કરી રહ્યું છે.

તેમજ કેટલીક માહિતીઓ છેલ્લે સુધી જાહેર ન કરીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં અનેક પ્રશ્નાર્થ ઊભા કરી છે. આ સંજોગોમાં ચૂંટણી પંચ તેની બંધારણીય ફરજ ચૂકી ગયું હોવાનું સ્પષ્ટ થાય છે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે તમામ રાજકીય પક્ષોને બોલાવાયા હતા. તેમાં કોંગ્રેસના આગેવાનો શા માટે હાજર રહ્યા ન હતા તેવા સવાલના જવાબમાં ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે સમગ્ર ચૂંટણી દરમિયાન ભાજપ સરકારના હાથાની જેમ કામગીરી કરી હતી. આથી ચૂંટણી પંચની આવી કામગીરીના વિરોધમાં અમે ચૂંટણી પંચને મળ્યા ન હતા. જો કે કોંગ્રેસ પક્ષ દ્વારા અલગ રીતે ચૂંટણી પંચનો સમય મગાયો હતો, પણ ચૂંટણી પંચે અમને સમય ફાળવ્યો ન હતો.

You might also like