માત્ર સ્ક્રિપ્ટને મહત્ત્વ ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન એક એવું નામ છે, જે સુંદરતાનું પ્રતીક બની ચૂક્યું છે. તેના બેજોડ અભિનય અને બોલતી આંખોથી દરેક વ્યક્તિ પ્રભાવિત છે. એશની ઉંમર આજે ભલે 42 વર્ષ કરતાં વધુ થઇ ચૂકી હોય, પરંતુ તે આજે પણ એટલી જ આકર્ષક લાગે છે. તેની સાબિતી છે પાંચેક વર્ષના અંતરાલ બાદ આવેલી તેની ફિલ્મ ‘જજ્બા’. લોકોએ તેને આ ફિલ્મમાં પસંદ કરી. તેની પાસે આજે અન્ય સારી ફિલ્મો પણ છે. એશનો ફિલ્મોની પસંદગીને લઇને શું માપદંડ છે એ અંગે વાત કરતાં તે કહે છે કે હું હંમેશાં ફિલ્મોને ક્વોન્ટિન્ટીના બદલે તેની સ્ટોરીના આધારે પસંદ કરું છું. એક અભિનેત્રી તરીકે હું હંમેશાં ફિલ્મની સ્ક્રિપ્ટને મહત્ત્વ આપું છું. હું એના સિવાય પહેલાં પણ કંઇ જોતી ન હતી અને આજે પણ કંઇ જોતી નથી.

એશ હવે ‘સરબજિત’ ફિલ્મમાં આવી રહી છે. તે કહે છે કે આ ફિલ્મ એક સાચી કહાણી પર આધારિત છે. ફિલ્મ ઓમાંગકુમાર જેવા ટેલેન્ટેડ ડિરેક્ટરે બનાવી છે, જેમણે અગાઉ ‘મેરી કોમ’ જેવી સુપરહિટ ફિલ્મ આપી હતી. હું આ ફિલ્મમાં ‘સરબજિત’ની બહેન દલબીર કૌરની ભૂમિકા ભજવી રહી છું. આ રોલ ખૂબ દમદાર છે. મને આ ફિલ્મથી ઘણી આશાઓ છે. આ ઉપરાંત ઐશ્વર્યા કરણ જોહરની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં અભિનય કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર અને અનુષ્કા શર્મા છે. આ જ વર્ષે રિલીઝ થનારી આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઇ ચૂક્યું છે. તે કહે છે કે હું અને કરણ પહેલી વાર એક સાથે કામ કરી રહ્યાં છે. આ એક સુંદર પ્રેમકહાણી છે. પ્રેમકહાણી હંમેશાં શાનદાર રીતે કહેવામાં આવે તો તે ગમે છે.

You might also like