ફાઇવસ્ટાર હોટલ જેવી સુવિધા ટ્રેનમાં માત્ર એક રાતનું ભાડું રૂ.40,000

નવી દિલ્હી: પોતાના શાહી ઠાઠ માટે જાણીતી ભારતની લક્ઝરી ટ્રેન રોયલ પેલેસ ઓન વ્હિલ ટૂરિસ્ટ સિઝનની પહેલી સફર પર નીકળી ચૂકી છે. આ ટ્રેન દર વર્ષે પાંચ સપ્ટેમ્બરે રાજસ્થાનમાં દેશી-વિદેશી સહેલાણીઓને લઇ જાય છે.

ગઇ કાલે સફદરજંગ રેલવે સ્ટેશનથી તેની શરૂઆત થઇ. સપ્ટેમ્બરથી એપ્રિલ સુધી ચાલનારી ભારતની આ લક્ઝરી ટ્રેનની પહેલી યાત્રા માટે ૩ર પેસેન્જર રવાના થયા.

આ વખતે રોયલ પેલેસ ઓન વ્હિલના કલરથી લઇને કાર્પેટ સુધી ઘણું બધું બદલાયેલું છે. ટૂરિસ્ટને નવો અનુભવ આપવા માટે મેનુ પણ વધુ સારું કરાયું છે. દિલ્હી બાદ આ ટ્રેેન જયપુર, સવાલમાધવપુર, ચિત્તોડ, ઉદયપુર, જેસલમેર, જોધપુર, ભરતપુર અને આગ્રા જશે.

રોયલ પેલેસ ઓન વ્હિલના ચીફ જનરલ મેનેજર પ્રદીપ બોહરાએ જણાવ્યું કે આ રોયલ સવારીમાં યાત્રા માટે પ્રતિવ્યક્તિ એક રાતનું ભાડું રૂ.૪૦,૦૦૦ છે. આ વખતે કુલ ૩૪ જર્ની હશે.

ઓક્ટોબર-ર૦૧૮થી માર્ચ-ર૦૧૯ સુધી એક રાતનું ભાડું વધીને રૂ.૪પ,૦૦૦ સુધી થઇ જશે. આ ટ્રેનમાં કુલ ૧૪ એસી કોચ છે. દરેક કોચને યુનિક નામ આપવામાં આવ્યું છે.

સાત રાત અને આઠ દિવસની આ સફર દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થઇને રાજસ્થાન અને આગ્રા બાદ દિલ્હીમાં પૂર્ણ થશે. આ ટ્રેન દર બુધવારની સાંજે સફદરજંગ રેલવે સ્ટેશનથી રવાના થશે. રોયલ પેલેસ ઓન વ્હિલની સિઝન ઓક્ટોબરથી માર્ચ સુધીની હોય છે.

સપ્ટેમ્બર અને એપ્રિલ ઓફ સિઝન હોય છે. ઓફ સિઝનના કારણે સપ્ટેમ્બર મુસાફરી કરવા પર રપ ટકાની છૂટ મળી રહી છે. આ વખતે રોયલ પેલેસ ઓન વ્હિલમાં ઓરિયેન્ટલ કાર્પેટ લગાવાઇ છે.

રોયલ ટ્રેનમાં બાથરૂમનું ફિટિંગ નવી રીતે કરાયું છે અને તેના ટાઇલ્સ અત્યાધુનિક છે. રોયલ પેલેસ ઓન વ્હિલમાં તમામ જગ્ગાએ એલઇડી લાઇટ લગાવાઇ છે. તમામ બાથરૂમમાં બાયોટોઇલેટ લગાવાયાં છે.

You might also like