કારની ટક્કરથી રિક્ષા પલટી જતા માત્ર ૧૨ દિવસના બાળકનું મોત

અમદાવાદ: વૈષ્ણોદેવી સર્કલ પાસે બેફામ સ્પીડે આવતી કારે રિક્ષાને ટક્કર મળતાં રિક્ષામાં માતાનાં હાથમાં રહેલું ૧૨ દિવસનું બાળક રોડ પર પટકાતાં તેનું કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના બની છે. મહિલા તેના બાળક,માતા અને ભાઈ સાથે રિક્ષામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સિઝેરિયનના ટાંકા તોડાવવા જતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. અડાલજ પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વેજલપુરમાં આવેલા જૈનુલપાર્કમાં રહેતા સફરભાઈ મન્સૂરી રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. ગત ૧૮ એપ્રિલના રોજ તેમની બહેન નીલોફરને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો હતો. ગઈ કાલે સવારે સાડા નવની આસપાસ સફરભાઈ તેમની માતા ઝરિનાબહેન, બહેન નીલોફર અને ૧૨ દિવસના ભાણિયા સાથે ગાંધીનગર સિવિલમાં ટાંકા તોડાવવા માટે જતાં હતાં.

૧૧.૩૦ની આસપાસ તેઓ વૈષ્ણોદેવી સર્કલ પાસે પહોંચ્યાં ત્યારે આગળ જતી એક રિક્ષાએ બ્રેક મારતાં સફરભાઈએ પણ તેમની રિક્ષા ઊભી રાખી દીધી હતી.

દરમ્યાનમાં બેફામ સ્પીડે આવતી કારે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા પલટી ગઈ હતી. રિક્ષામાં બેઠેલાં ઝરિનાબહેનના હાથમાં રહેલું ૧૨ દિવસનું બાળક રોડ પર પટકાતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. હોસ્પિટલ લઇ જતાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. નીલોફર અને ઝરિનાબહેનને પણ ઈજાઓ થતાં તેમને હોસ્પિટલે ખસેડ્યાં હતાં. અડાલજ પોલીસે અજાણયા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

You might also like