ઓનલાઇન ફરિયાદનો ‘ઓનલાઇન’ ઉકેલ

અમદાવાદ: કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે ઓનલાઇન ફરિયાદની નોંધણી માટે સીસીઆરએસ પદ્ધતિ અમલમાં મુકાઇ છે. કોમ્પ્રિહિન્સવ કમ્પ્લેન રિડ્રેસલ સિસ્ટમ અંતર્ગત શહેરીજનો પોતાના વિસ્તારની પાણી, ગટર, બિસ્માર રસ્તા કે મૃત જાનવરને ઉપાડવા સહિતની તમામ પ્રકારની ફરિયાદ નોંધાવી શકે છે, જોકે સીસીઆરએસનો અનેક લોકોને કડવો અનુભવ થઇ રહ્યો છે. સત્તાવાળાઓ સીસીઆરએસ હેઠળ નોંધાયેલી ઓનલાઇન ફરિયાદનો ત્રણ દિવસમાં જ ઓનલાઇન ઉકેલ લાવી દેતા હોઇ ખુદ કમિશનર મૂકેશકુમાર નારાજ થયા છે.

પાલડીના ડોક્ટર હાઉસ પાછળ આવેલી શાંતિસદન સોસાયટીના સર્વસ્વ એપાર્ટમેન્ટનાં રહેવાસી ડો.પ્રકૃતિ ત્રિવેદી તંત્રની સીસીઆરએસ સિસ્ટમથી ત્રાસી ઊઠ્યાં છે. છેલ્લા એક મહિનાથી તેમના વિસ્તારમાં પાણીનો કકળાટ સર્જાયો છે. હોળી-ધુળેટી સુધી પાણીની વિશેષ બુમરાણ ઊઠતી ન હતી, પરંતુ હોળી-ધુળેટી બાદ અચાનક પાણી ઓછું મળવા લાગતાં ડો.પ્રકૃતિ ત્રિવેદીએ આ અંગે ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. મ્યુનિસિપલ સત્તાવાળાઓએ તેમની ફરિયાદ નોંધીને ફરિયાદ નંબર ઇએનજી-૦૩૧૭૧ર૩૬૪ર૭ પણ આપ્યો હતો, પરંતુ આમાં આઘાતજનક બાબત એ છે કે તંત્રે તેમની ફરિયાદનું યોગ્ય નિરાકરણ લાવવાના બદલે ફક્ત ત્રણ જ દિવસમાં ઓનલાઇન ઉકેલ લાવી દીધો. ફરિયાદીની ફરિયાદની ફાઇલ જ ત્રણ દિવસમાં બંધ કરી દીધી, જ્યારે નક્કર વાસ્તવિકતા એ છે કે આજે પણ ડો. પ્રકૃતિ ત્રિવેદી અને તેમના વિસ્તારના લોકોને પીવાનું પાણી મેળવવા દરરોજ પાણીનું ટેન્કર મંગાવવું પડે છે!

સીસીઆરએસ સિસ્ટમ અંતર્ગત નોંધાતી ફરિયાદોના નિરાકરણમાં આ પ્રકારે જે ગંભીર કક્ષાની બેદરકારી દાખવવામાં આવે છે તેનાથી ખુદ કમિશનર મૂૂકેશકુમાર ખફા થયા છે. તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને સીસીઆરએસ હેઠળ આવતી ફરિયાદોનો નિકાલ ન થયો હોવા છતાં તેને ‘ક્લોઝ’ કરી દેવામાં આવતી હોઇ તે અંગે જલદી કાર્યવાહી કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની તાકીદ પણ કરી છે.
http://sambhaavnews.com/

You might also like