ઓનલાઇન પેમેન્ટમાં ધાંધિયાંઃ પ્રોપર્ટી ટેક્સની રકમ મ્યુનિ.ના ખાતામાં જમા થતી નથી!

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ ઓનલાઇન પેમેન્ટ પર ભાર મૂકી રહ્યા છે. વધુને વધુ નાગરિકો ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમને અપનાવે તે માટે ખાસ ઝુંબેશ ચલાવે છે. પરંતુ આ સિક્કાનું એક બીજું પાસું પણ છે. પ્રોપર્ટી ટેક્સ બિલની રકમ ઓનલાઇન ભરપાઇ કર્યા બાદ પણ તંત્રની સિસ્ટમમાં જમા થતી નથી તંત્રના સોફટવેરની ખામીને કારણે ઓનલાઇન પેમેન્ટ કરનારા કરદાતાઓ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે.

કોર્પોરેશન દ્વારા પ્રામાણિક કરદાતાઓ માટેની એડ્વાન્સ ટેક્સ રિબેટ યોજનાની મુદ્દતને લંબાવીને આગામી તા.૧પ મે, ર૦૧૭ સુધીની કરાઇ છે. ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮નું ટેક્સ બિલ અગાઉથી ભરપાઇ કરનાર કરદાતાને ટેક્સ બિલમાં દશ ટકાનું આર્થિક વળતર અપાય છે. આ યોજના પ્રામાણિક કરદાતાઓમાં લોકપ્રિય બની હોઇ તંત્ર છેલ્લાં કેટલાંક વર્ષથી તેને અમલમાં મૂકી રહી છે.

પરંતુ ટેક્સ બિલનું ઓનલાઇન પેમેન્ટ કરનારા કરદાતાઓ પૈકી અનેક કરદાતાઓને નવા વર્ષે ટેક્સ બિલને જોઇને હબક ખાવાનો વારો આવે છે. પોતાના બેન્ક એકાઉન્ટમાંથી ટેક્સ બિલની રકમ બાદ થયા બાદ પણ તંત્રની સિસ્ટમમાં આ રકમ જમા થતી નથી. પરિણામે કોર્પોરેશનના ટેક્સ બિલમાં ઓનલાઇન ભરપાઇ કરેલી રકમ પુનઃ ઉમેરાઇને આવે છે.

આ માટે કોર્પોરેશનમાં ઇ-ગવર્નન્સનો રૂ.૩૬ કરોડનો કોન્ટ્રાક્ટ લેનાર ટીસીએસ (ટાટા કન્સલ્ટન્સી સર્વિસ) કંપનીનું સોફટવેર કારણભૂત હોવાનું ટેક્સ વિભાગમાં છેડચોક ચર્ચાઇ રહ્યું છે. ટીસીએસ કંપની પાસે ઇ-ગવર્નન્સનાં કરોડોનો કોન્ટ્રાક્ટ હોવા છતાં આ કંપનીના પ્રોગ્રામ અને સોફટવેર કોર્પોરેશનના વિવિધ વિભાગો માટે માથાના દુઃખાવારૂપ બન્યા છે. ટીસીએસ કંપનીના આ પ્રકારના વારંવારના છબરડાથી અધિકારી વર્ગ પણ પરેશાન છે. તેમ છતાં અગમ્ય કારણસર ટીસીએસ કંપનીને સાચવી લેવાતી હોવાનું પણ જાણકાર વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. આ અંગે મ્યુનિસિપલ રેવન્યુ કમિટીના ચેરમેન વલ્લભ પટેલને પૂછતાં તેઓ કહે છે, ‘આવી કોઇ ફરિયાદ મને મળી નથી તેમ છતાં કરદાતાઓ પરેશાન ન થાય તે માટે આની તપાસ કરાવીશ.’

http://sambhaavnews.com/

You might also like