ડુંગળીના ભાવ હવે ટૂંકમાં ઘટી જશે

નવી દિલ્હી: દિવાળીના તહેવારોમાં ૫૦ રૂપિયે કિલો પહોંચી ગયેલી ડુંગળીના ભાવ હવે તહેવારો બાદ ટૂંક સમયમાં ઘટવાની શક્યતા છે. જથ્થાબંધ બજારમાં ડુંગળીનો સપ્લાય હવે વધી ગયો છે, જેના પગલે દિવાળી બાદ તુરત જથ્થાબંધ બજારમાં ડુંગળીનો ભાવ ઘટીને પ્રતિકિલો રૂ. ૪૦ પર આવી ગયો છે. આ સંજોગોમાં હવે ટૂંક સમયમાં છૂટક બજારમાં પણ ડુંગળીના ભાવ ઘટવાની શક્યતા વધી ગઇ છે.
મહારાષ્ટ્રની લાસલગાંવ મંડીમાં ઓક્ટોબરના બીજા સપ્તાહમાં ડુંગળીના જથ્થાબંધ ભાવ પ્રતિક્વિન્ટલ રૂ. ૨૨૮૬ હતો, હવે આ સપ્તાહે જથ્થાબંધ ભાવ ઘટીને પ્રતિક્વિન્ટલ રૂ. ૧૯૫૫ થઇ ગયો છે. આમ, એક જ અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં ૧૪ ટકાનો ઘટાડો નોંધાયો છે.

દેશની સૌથી મોટી મંડીમાં ભાવ ઘટવાની અસર હવે સીધી છૂટક બજાર પર પણ પડશે. આમ જોઇએ તો ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી અત્યાર સુધીમાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં અંદાજે ૨૦ ટકાનો ઘટાડો થયો છે. નવા પાકની આવકના પગલે ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે.

You might also like