ડુંગળીના ભાવ રૂ. ૧૦ની નીચે

અમદાવાદ: સૌરાષ્ટ્ર સહિત મહુવા તથા તેની આજુબાજુના વિસ્તારોમાંથી ડુંગળીની નવી આવક આવવાની શરૂ થતાની સાથે જ ડુંગળીના ભાવમાં મોટા ગાબડાં પડ્યાં છે અને એક જ મહિનામાં સૌરાષ્ટ્રની ડુંગળીનો ૨૦ કિલોના ભાવમાં ૫૦થી ૭૦ રૂપિયાનું ગાબડું પડ્યું છે. દરમિયાન સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ પ્રતિકિલોએ રૂ. ૧૦ની સપાટી તોડીને નીચે ૮થી ૯ રૂપિયાએ પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે ચારથી છ સપ્તાહ પૂર્વે ડુંગળીના ભાવ રૂ. ૧૨થી ૧૫ પ્રતિકિલોની સપાટીએ ડુંગળી વેચાઇ રહી હતી.

દરમિયાન મહારાષ્ટ્રના નાસિક બાજુથી પણ આ વખતે ડુંગળીની મબલખ આવક થવાને કારણે આવકમાં ધરખમ વધારો થયો છે અને સ્થાનિક બજારમાં નાસિક બાજુથી આવતી ડુંગળીના ભાવમાં પણ વીસ કિલોએ ૬૦થી ૮૦ રૂપિયાનું ગાબડું પડ્યું છે. આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ ઘટાડો નોંધાય તેવી શક્યતા સ્થાનિક હોલસેલ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

You might also like