ડુંગળીના ભાવમાં એક મહિનામાં ૪૦ ટકાનો ઉછાળો નોંધાયો

અમદાવાદ: દિવાળી બાદ ડુંગળીની આવક વધી છે પરંતુ તેમ છતાં પણ સપ્લાયની સામે અપૂરતા પુરવઠા વચ્ચે ડુંગળીના ભાવમાં સુધારો નોંધાતો જોવા મળ્યો છે. પાછલા એક મહિનામાં હોલસેલ બજારમાં ડુંગળીના ભાવમાં ર૦ કિલોએ ૧પ૦થી ૧૭પ રૂપિયાનો ઉછાળો નોંધાયો છે હાલ ૬૦૦થી ૬ર૦ની સપાટીએ ભાવ પહોંચી ગયો છે. જેના પગલે છૂટકમાં પણ ભાવમાં ઉછાળાની ચાલ નોંધાતી જોવા મળે છે. છૂટકમાં છેલ્લા એક મહિનામાં ૧૦ થી ૧પનો ઉછાળો નોંધાઇ રૂ.૪૦થી ૪પની સપાટીએ ભાવ પહોંચી ગયા છે.

સ્થાનિક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિટીના હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર મહિના કર્ણાટક અને મહારાષ્ટ્રમાં આવેલા વરસાદને કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. દેશના સૌથી મોટા મહારાષ્ટ્ર-નાસિક માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવ બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. જેની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી છે. એનએચઆરડીએફના ડેટા મુજબ એશિયાની સૌથી મોટી લાસલગામની માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો ઉછાળો માત્ર એક જ મહિનામાં જોવા મળ્યો છે.

અમદાવાદ માર્કેટયાર્ડમાં સૌરાષ્ટ્ર બાજુથી ડુંગળીની આવક વધી છે પરંતુ તેની સામે માગ વધી છે. તો બીજી બાજુ તાજેતરમાં જ કર્ણાટકમાં પડેલા વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાનીની શક્યતાએ ભાવમાં ઉછાળો નોંધાયો છે.

You might also like