નવી આવક શરૂ થતાં પૂર્વે ડુંગળીના ભાવ રૂ. ૧૦

અમદાવાદઃ આગામી ચારથી છ સપ્તાહમાં સૌરાષ્ટ્રના મહુવા સહિત ભાવનગર તથા સૌરાષ્ટ્રના વિવિધ પ્રદેશોમાંથી ડુંગળીની નવી આવક આવવાની શરૂઆત થતાં પૂર્વે જ સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ તળિયે જોવા મળ્યા છે. હાલ સ્થાનિક બજારમાં ડુંગળી ૧૦ રૂપિયે પ્રતિકિલોની સપાટીએ જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે બે મહિનામાં ડુંગળીના ભાવમાં પ્રતિકિલોએ ૨૦થી ૩૦ ટકાનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે. સ્થાનિક ખેતીવાડી બજારના જાણકારોનો જણાવ્યા પ્રમાણે આ વખતે સૌરાષ્ટ્રમાં અપેક્ષા કરતાં સારો વરસાદ પડ્યો છે તથા પાકમાં બગાડ થવાની શક્યતા ઓછી જોવા મળી છે.

આગામી એકથી દોઢ મહિનામાં નવી ડુંગળી આવવાની શરૂ થઇ જશે, જેના પગલે ડુંગળીના સ્થાનિક બજારમાં ભાવ પણ તૂટી રહ્યા છે. હોલસેલ બજારમાં ૨૦ કિલોએ છેલ્લા બે મહિનામાં ૨૦થી ૪૦ રૂપિયાનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે.
પાછલાં વર્ષમાં ડુંગળીના ભાવ પ્રતિકિલોએ ૭૦થી ૮૦ રૂપિયાની સપાટીએ પહોંચી ગયા હોવાને કારણે આ વખતે ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી રહેશે તેવી અપેક્ષાએ મહુવા તથા ભાવનગર પંથકમાં ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે અને તેને કારણે સ્થાનિક બજારમાં આ વખતે દિવાળી પૂર્વે જ આવક આવવાની શરૂ થઇ જશે તેવા સેન્ટિમેન્ટ પાછળ ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે આગામી એકથી બે મહિનામાં ડુંગળીના ભાવમાં હજુ પણ ૧૦થી ૨૦ ટકાનો ઘટાડો જોવાય તેવી શક્યતા છે.

You might also like