બેથી ચાર સપ્તાહ મોડી આવક આવવાના એંધાણે ડુંગળીના ભાવમાં તેજીની ચાલ

અમદાવાદ: દિવાળીને હવે માંડ બે સપ્તાહની વાર છે. સામાન્ય રીતે દશેરા બાદ સૌરાષ્ટ્રના મહુવા અને ભાવનગર બાજુથી પહેલો જથ્થો માર્કેટયાર્ડમાં આવવાનો શરૂ થઇ જતો હોય છે, પરંતુ આ વખતે સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશમાં ભારેથી અતિ ભારે પડેલા વરસાદના કારણે ડુંગળીની આવક દિવાળી બાદ એકથી બે સપ્તાહ મોડી આવવાની શક્યતા સેવાઇ રહી છે. માર્કેટયાર્ડમાં મોડી આવક આવવાના પગલે ડુંગળીના ભાવમાં ફરી એક વખત સુધારાની ચાલ જોવા મળી છે.

પાછલા એક જ મહિનામાં સૌરાષ્ટ્રની ડુંગળીના ભાવમાં ૨૦ કિલોએ રૂ. ૮૦થી ૧૦૦નો ઉછાળો નોંધાઇ ચૂક્યો છે, જ્યારે મહારાષ્ટ્રની ડુંગળીના ભાવમાં રૂ. ૧૨૦થી ૧૪૦નો ઉછાળો જોવાઇ હાલ ૨૦ કિલોના રૂ. ૪૦૦થી ૫૦૦ની સપાટીએ ભાવ પહોંચી ગયો છે.

હોલસેલ બજારમાં ભાવમાં જોવા મળેલા સુધારાના પગલે રિટેલમાં પણ મજબૂત સુધારો નોંધાયો છે. સ્થાનિક બજારમાં રિટેલના ૨૦થી ૨૪ રૂપિયે ભાવ પહોંચી ગયા છે, જે અગાઉ ૧૮થી ૨૦ રૂપિયે જોવા મળી રહ્યા હતા. માર્કેટયાર્ડના વેપારીના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના કેટલાક અગ્રણી વેપારીઓ પર પડેલા આવકવેરાના દરોડાના પગલે વેપારીઓ દ્વારા સાવધાનીપૂર્વકની કારોબારી ચાલ જોવાઇ રહી છે. એટલું જ નહીં સપ્ટેમ્બર મહિનામાં કર્ણાટકમાં પડેલા ભારે વરસાદના કારણે ડુંગળીના પાકને ભારેથી અતિ ભારે નુકસાન થયું હોવાની શક્યતા પાછળ ડુંગળીના ભાવમાં તેજીની ચાલ નોંધાતી જોવા મળી છે.

સ્થાનિક માર્કેટયાર્ડમાં મહારાષ્ટ્ર બાજુથી ડુંગળીની આવક વિલંબમાં પડે તેવી શક્યતા પાછળ તથા ડિઝલના ભાવમાં વધારો તથા આજે અને કાલે ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાળના પગલે પુરવઠો ખોરવાવાની શક્યતા પાછળ ડુંગળીના ભાવમાં સુધારાની ચાલ જોવાઇ રહી છે તેવો મત માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા વ્યક્ત કરાયો છે.

You might also like