પાણીના ભાવે વેચાતી ડુંગળી

અમદાવાદ: પાછલા વર્ષે એપ્રિલ મહિનામાં પડેલા કમોસમી વરસાદના કારણે જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં ડુંગળીના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી હતી અને સ્થાનિક બજારમાં ડુંગળી ૭૦થી ૮૦ રૂપિયે પ્રતિકિલોની સપાટીએ પહોંચી ગઇ હતી. ખેડૂતોને ઊંચા ભાવ મળવાની આશાએ ભાવનગર તથા તેની આજુબાજુના વિસ્તારમાં મોટા પાયે ડુંગળીનું વાવેતર થતાં ચાલુ સિઝનમાં ડુંગળીની બમ્પર આવક જોવા મળી છે એટલું જ નહીં, મહારાષ્ટ્રમાં પણ આ વખતે ડુંગળીની મોટા પાયે આવક થઇ રહી છે ત્યારે ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયેલા જોવા મળ્યા છે.

પાછલાં ચાર સપ્તાહમાં સ્થાનિક માર્કેટયાર્ડમાં એક મણે ૨૦થી ૪૦ રૂપિયા ભાવ તૂટી ગયા છે, જેના કારણે છૂટકમાં પણ ડુંગળીના ભાવમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. સ્થાનિક રિટેલ બજારમાં ૧૦ રૂપિયે પ્રતિકિલોની સપાટીએ છેલ્લા કેટલાય સમયથી ભાવ સ્થિર જોવા મળે છે. સ્થાનિક બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે જુલાઇ-ઓગસ્ટ મહિનામાં ડુંગળીના ભાવમાં વધારો નોંધાતો હોય છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ ઊલટી જોવા મળી શકે છે. ડુંગળીના ભાવમાં ડાઉન ટ્રેન્ડ જોવાઇ શકે છે.

કેન્દ્ર સરકારે ડુંગળીની મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસમાં વધારો કરતાં ડુંગળીની નિકાસમાં ઘટાડો નોંધાયો છે અને તેના કારણે એક બાજુ નિકાસમાં ઘટાડો થયો છે તો બીજી બાજુ સ્થાનિક બજારમાં ભાવ તૂટ્યા છે.

You might also like