બમ્પર આવકના કારણે ડુંગળીના ભાવમાં સતત થઈ રહેલો ઘટાડો

અમદાવાદ: સૌરાષ્ટ્ર તથા તેની આજુબાજુના પંથકમાંથી સ્થાનિક માર્કેટ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક થઇ રહી છે. પાછલાં બે-ત્રણ સપ્તાહથી આવકમાં વધારો થયો છે એટલું જ નહીં મહારાષ્ટ્રના નાસિક બાજુથી પણ મોટા પ્રમાણમાં ડુંગળીની આવક આવી રહી છે અને તેને કારણે ડુંગળીના ભાવ સતત તૂટી રહ્યા છે. એક મહિનામાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં ૨૦ કિલોએ રૂ. ૫૦થી ૭૦ સુધીનો ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં છૂટક બજારમાં પણ ડુંગળીના ભાવ સતત તૂટી રહ્યા છે.

સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે કમૂરતા બાદ ડુંગળીની આવક વધી રહી છે અને આવનારા દિવસોમાં પણ આ સિલસિલો ચાલુ જ રહે તેવી શક્યતાઓ પાછળ હજુ પણ ભાવમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. તેઓના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર તથા મહારાષ્ટ્ર બાજુથી સ્થાનિક માર્કેટયાર્ડમાં ડુંગળીની સતત આવકના કારણે ભાવ તૂટ્યા છે. ઉલ્લેખનીય છે કે એક મહિના પૂર્વે જથ્થાબંધ બજારમાં ૨૦ કિલો ડુંગળીનો ભાવ ૨૫૦થી ૩૦૦ રૂપિયા જોવાતો હતો તે ૨૦૦થી ૨૩૦ રૂપિયા પર આવી ગયો છે.

વેપારીઓના જણાવ્યા પ્રમાણે હાલના સંજોગોમાં ખેડૂતો પણ ભાવ નહીં મળી શકે તેવી શક્યતાઓ પાછળ બજારમાં માલ ઠાલવી રહ્યા છે અને સૌરાષ્ટ્રના મહુવા તથા ભાવનગર માર્કેટયાર્ડોમાં પણ મોટા પ્રમાણમાં ડુંગળીની મબલખ આવક જોવા મળી રહી છે. સ્થાનિક વેપારીઓના કહેવા પ્રમાણે એક બાજુ શિયાળુ આવક ઊંચી જોવા મળી રહી છે તો બીજી બાજુ અપેક્ષા મુજબની માગ નહીં હોવાના કારણે ડુંગળીના ભાવ સતત ગગડી રહ્યા છે. હાલ ડુંગળી કિલોના રૂ. ૧૦થી ૧૫ના ભાવે વેચાઇ રહી છે, જે એક મહિના પૂર્વે રૂ. ૧૨થી ૧૮ના ભાવે વેચાતી હતી.

You might also like