જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવ નરમ, જ્યારે રિટેલમાં ગરમ

અમદાવાદ: ડુંગળીના ભાવ જથ્થાબંદ બજારમાં વધુ ને વધુ તૂટી રહ્યા છે. વરસાદના ઓળા વરતાઇ રહ્યા છે ત્યારે ડુંગળીના ભાવ વધુ ગગડવાની ભીતિએ મહારાષ્ટ્ર સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો માર્કેટયાર્ડમાં ડુગળી ઠાલવી રહ્યા છે અને તેને કારણે જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવ વધુ તૂટ્યા છે. પાછલા એક સપ્તાહમાં સ્થાનિક બજારમાં મહારાષ્ટ્ર બાજુથી આવતી ડુંગળીનો ભાવ ૨૦ કિલોએ ૪૦થી ૬૦ રૂપિયા તૂટી ચૂક્યો છે. એ જ પ્રમાણે સૌરાષ્ટ્ર બાજુથી આવતી ડુંગળીના ભાવમાં પણ ઘટાડાની ચાલ જોવાઇ રહી છે. તેમ છતાંય રિટેલ બજારમાં ભાવ ઘટવાનું નામ નથી લેતા અને પાછલા ચારથી છ સપ્તાહમાં રિટેલ બજારમાં ડુંગળીના ભાવ ૧૫ રૂપિયે કિલોની આસપાસ જોવા મળી રહ્યા છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ડુંગળીના ભાવમાં વચેટિયાઓનું વર્ચસ્વ વધી રહ્યું છે અને તેને કારણે જ ગ્રાહકો તથા ખેડૂતોને ડુંગળી રડાવી રહી છે. એક બાજુ વચેટિયાઓ ખેડૂતો પાસેથી નીચા ભાવે ડુંગળીની ખરીદી કરી રહ્યા છે તો બીજી બાજુ છૂટક વેપારીઓમાં ઊંચા ભાવે ડુંગળી વેચી રહ્યા છે અને તેને કારણે છૂટક બજારમાં ડુંગળીના ભાવ ઘટવાનું નામ નથી લેતાં.
આગામી એક-બે સપ્તાહમાં વરસાદ પડે તેવી શક્યતા જોવાઇ રહી છે ત્યારે જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવ વધુ ઘટે તેવી શક્યતા સ્થાનિક વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

You might also like