સૌરાષ્ટ્રમાં ડુંગળી લઈ જવા ખેતરો ખુલ્લાં મુકાયાં!

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી તેના ભાવમાં વધઘટને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. એક સમયે તેના ભાવ કિલોના આશરે ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા, ત્યારે ગ્રાહકો રડી રહ્યા હતા, પરંતુ હાલ ડુંગળી ખેડૂતોને રડાવી રહી છે. સૌરાષ્ટ્રમાં મહુવા, ઉપલેટા, ભાયાવદર એ ડુંગળી પકવતો મુખ્ય વિસ્તાર છે. દેશમાં મહારાષ્ટ્ર બાદ સૌરાષ્ટ્ર ડુંગળીના ઉત્પાદનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

અગાઉનાં વર્ષમાં ડુંગળીના ભાવ આસમાને જતા સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળીના વાવેતર તરફ વળ્યા હતા, પરંતુ આ વર્ષે ભાવ એટલી હદે નીચા ગયા છે કે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. માર્કેટયાર્ડોમાં ડુંગળીનો ભાવ એક મણ એટલો કે વીસ કિલોના રૂપિયા વીસ-ત્રીસ સુધીનો જ પડી રહ્યો છે. છૂટક માર્કેટમાં ડુંગળી પણ પાંચ-સાત રૂપિયે કિલો વેચાઈ રહી છે. આથી ખેડૂતોને ઉત્પાદનમાં ખર્ચાયેલાં નાણાં પણ મળતાં નથી.

ધોરાજી અને ઉપલેટા વિસ્તારમાં ખેડૂતોએ સરકાર પાસે ડુંગળીમાં ટેકાના ભાવની માગણી કરી છે. ભારતીય કિસાન સંઘના સ્થાનિક આગેવાનોએ સરકાર સામે રોષ વ્યક્ત કરવા ધોરાજી ખાતે એક કાર્યક્રમ પણ આપ્યો હતો. જેમાં ખેડૂતોએ લોકોને મફત ડુંગળીનું વિતરણ કર્યું હતું. મોટી મારડ ગામના કેટલાક ખેડૂતોએ તો લોકોને ડુંગળી મફત આપવા પોતાનાં ખેતરો ખુલ્લાં મૂકી દીધાં છે.

You might also like