હોલસેલ બજારમાં ડુંગળીના ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ

અમદાવાદ, શુક્રવાર
દિવાળી બાદ સામાન્ય રીતે ડુંગળીના ભાવમાં નવી આવક વચ્ચે ઘટાડો જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે મહારાષ્ટ્રમાં પડેલા વરસાદના કારણે ડુંગળીના પાકને થયેલા નુકસાનના પગલે ભાવ ટકેલા જોવા મળ્યા હતા.

છેલ્લા કેટલાય સમયથી સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ રિટેલમાં ૫૦થી ૬૫ રૂપિયે પ્રતિકિલોની સપાટીએ પહોંચી ગયેલા જોવા મળ્યા હતા, જોકે ઉનાળો શરૂ થતાં જ વધતી ગરમી વચ્ચે ડુંગળીની આવક વધતાં ડુંગળીના ભાવમાં ગાબડાં પડેલાં જોવા મળ્યાં છે.

છેલ્લા એક જ મહિનામાં હોલસેલ બજારમાં ડુંગળીના ભાવ અડધા થઇ ગયા છે. એક મહિના પહેલા ૬૦૦થી ૭૦૦ રૂપિયે પહોંચેલી ૨૦ કિલો ડુંગળીના ભાવ હાલ ઘટીને ૩૫૦થી ૪૫૦ની સપાટીએ પહોંચી ગયેલા જોવા મળ્યા છે.

જોકે રિટેલમાં ભાવ ઘટાડાની ખાસ કોઇ હાલ અસર જોવા મળી નથી. સ્થાનિક બજારમાં રિટેલમાં બી ગ્રેડની ડુંગળીના ભાવ ૫૦થી ૬૦ રૂપિયે પ્રતિકિલોની સપાટીએ જોવા મળી રહ્યા છે, જોકે માર્કેટયાર્ડના હોલસેલ વેપારીઓના કહેવા પ્રમાણે જેમ જેમ ગરમી વધશે તેમ તેમ ડુંગળીની આવક વધતાં ભાવમાં વધુ ઘટાડાની ચાલ જોવા મળશે.

You might also like