કોંગ્રેસની દમન પ્રતિકાર રેલીમાં પ્રદેશ પ્રમુખ સહિત ૧૦૦થી વધુની અટકાયત

ગાંધીનગર : ગુજરાતમાં નાગરિકોનો અધિકાર માટે અવાજ ઉઠાવવામાં આવે તો પોલીસ અને સરકારી દમન દ્વારા તેને દબાવી દેવામાં આવે છે. જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે ગાંધી આશ્રમ ખાતે ધરણાં કરીને અત્યાચાર અને દમનનો વિરોધ કરી રેલીનું આયોજન કરાયુ હતું. જો કે આ રેલીના કાર્યક્રમને પોલીસ તંત્ર દ્વારા છેક સુધી મંજૂરી આપવામાં આવી ન હતી, તેમ છતાં રાજ્યભરમાંથી પાંચ હજારથી વધુ લોકો ધરણાં અને રેલીના કાર્યક્રમમાં જોડાયા હતા.

ધરણાં બાદ ગાંધી આશ્રમથી રેલી અભય ઘાટ પાસે પહોંચી ત્યારે પોલીસે કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો ધરપકડ કરતાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. જો કે પોલીસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત ૧૦૦ જેટલાં નેતા અને આગેવાનોની અટકાયત કરી હતી. આ રેલી દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ સહિતના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

રાજ્યમાં પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગણી દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના આગેવાનો ધરપકડ કરી છે. તેમજ તેમની સામે ખોટા કેસો કરીને જેલ હવાલે કરાયા છે. આ મામલે પાટીદાર સમાજ દ્વારા જેલમાં બંધ યુવાનોને છોડાવવા માટે આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલનને સમર્થન આપવા અને સરકારની દમનકારી નીતિના વિરોધમાં આજે દમન પ્રતિકાર રેલીનું આયોજન કરાયું હતુ.

આ રેલી અંતર્ગત આજે બપોરે ગાંધી આશ્રમ ખાતે ધરણાં કર્યા બાદ રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર પાઠવવાનું આયોજન કરાયું હતું. આ માટે કોંગ્રેસ દ્વારા મંજૂરી માંગવામાં છતાં તંત્ર દ્વારા છેક સુધી મંજૂરી આપવામાં આવી ન હતી. મંજૂરી ન આપી હોવા છતાં કોંગ્રેસ દ્વારા તેનો ધરણાં અને રેલીના કાર્યક્રમને શરૃ રખાયો હતો.

કોંગ્રેસ આયોજિત દમન પ્રતિકાર રેલી અંતર્ગત ધરણાં અને રેલીમાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી નિકળેલા આગેવાનો અને કાર્યકરોને પોલીસ દ્વારા તેમના જે તે ગામ અને શહેરમાંથી અટકાયત કરવામાં આવી હતી. અંદાજે પાંચ હજારથી વધુ આગેવાનો અને કાર્યકરો ગાંધી આશ્રમ ખાતે ઉમટી પડ્યા હતા. ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ, પૂર્વ સાંસદ ડૉ. પ્રભા તાવિયાડ, નરેશ રાવલ સહિતના આગેવાનોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ત્યાર બાદ આગેવાનો અને કાર્યકરો રેલી સ્વરૃપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જવા નીકળ્યા હતા. ત્યારે અભય ઘાટ પાસે પાસે પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવાનું શરૃ કર્યું હતું. જેના પગલે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, તેમજ પક્ષના અન્ય સિનિયર નેતાઓ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, નરેશ રાવલ સહિતના નેતાઓએ રાજ્ય સરકારના ઈશારે પોલીસના કિન્નાખોરીભર્યા પગલાંના વિરોધમાં સામેથી ધરપકડ વહોરી લીધી હતી.

નેતાઓની સાથે કાર્યકરો પણ જોડાતાં થોડા સમય માટે તંગદિલી પ્રસરી જવા પામી હતી. કારણ કે પોલીસ આટલી મોટી સંખ્યામાં તેઓની અટકાયત કરીને લઈ જઈ શકે તેવી સ્થિતિમાં ન હતી. દરમિયાનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ, પ્રદેશ ઉપપ્રમુખ મૌલિન વેષ્ણવ, રાઘવજી પટેલ, ડૉ. જીતુ પટેલ, મહામંત્રી લાલજી દેસાઈ, ડૉ. પ્રભા તાવિયાડ, પ્રવક્તા ડૉ. મનિષ દોશી, હિમાંશુ વ્યાસ સહિતના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને ઉદેશીને વિસ્તૃત આવેદન પત્ર કલેકટરને સુપ્રત કરાયું હતુ.

You might also like