ઓએનજીસીના ચીફ એન્જિનિયર સાથે રૂ.પાંચ લાખની છેતરપિંડી

અમદાવાદ: જો તમે વિદેશ જવા માટે ઓનલાઈન વેબસાઈટ પરથી ટ્રાવેલ એજન્સીઓનો સંપર્ક કરી ટૂરમાં જાઓ છો તો તમે ચેતી જજો, કારણ કે ઓનલાઈન ટૂરની વેબસાઈટ પરથી વિદેશ લઈ જવાના બહાને છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. મોટેરા વિસ્તારમાં રહેતા અને મુંબઈ ઓએનજીસીમાં ચીફ એન્જિનિયર અને તેમના િમત્રોને વિદેશ લઈ જવાના બહાને રૂ.પાંચ લાખ પડાવી ટૂરમાં ન લઈ જઈ છેતરપિંડીની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોટેરા વિસ્તારમાં અશોકા એન્કલેવમાં રાજીવકુમાર મહેશ્વરી પોતાના પરિવાર સાથે રહે છે અને મુંબઈ ઓએનજીસીમાં ચીફ એન્જિનિયર છે. ૨૦૧૬ના ફેબ્રુઆરીમાં તેઓએ વેકેશનમાં તેમના મિત્રો સાથે ફરવા જવાનું હોઈ ઓનલાઈન ટ્રાવેલ એજન્સીઓ સર્ચ કરી ટ્રાવેલ ડીલ્સ બજાર નામની વેબસાઈટમાં ઈ-મેઈલ એડ્રેસ અને ફોન નંબરથી ટ્રાવેલ એજન્સીનો સંપર્ક કર્યો હતો.

નવી દિલ્હીની આ ટ્રાવેલ ડીલ્સ બજારમાં ચિરાગ ઉર્ફે અમિત ગુપ્તા સાથે વાતચીત કરી ત્યારે સિંગાપોર-મલેશિયા જવા ૧૦ લોકો માટે રૂ.પાંચ લાખ વિઝા, રોકાણ, એર ટિકિટ સહિતનો ખર્ચ કહ્યો હતો. બાદ તેઓએ રૂ.પાંચ લાખ NFETથી તેઓના નવી દિલ્હીના ખાતામાં આપ્યા હતા. ૫૦ ટકા પૈસા ભર્યા બાદ બાકીના એક ટિકિટ આવ્યા બાદ તેઓ આપશે તેમ રાજીવકુમારે જણાવ્યું હતું.

રાહુલ નામની વ્યક્તિ સાથે વાતચીત બાદ તેઓએ ટોટલ બુકિંગ અને વિઝા માટે પૈસા માગતાં બીજા ૨.૫૦ લાખ મોકલી આપ્યા હતા. નક્કી થયેલી રૂ.પાંચ લાખની રકમ રાજીવકુમારે મોકલી આપ્યા બાદ વિઝા ન થતાં ટૂર કેન્સલ થઈ છે તેમ કહીને અન્ય દિવસની એર ટિકિટ મોકલી આપી હતી. જે ટિકિટ નકલી હોવાનું બહાર આવ્યું હતું. રાજીવકુમારને શંકા જતાં ઓફિસની તપાસ કરતાં આવી કોઈ ઓફિસ અને ઘર ન મળતાં પોતે છેતરાયા હોઈ તેઓએ આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
http://sambhaavnews.com/

You might also like