એક વર્ષમાં શેરબજાર અને સોના કરતાં ચાંદીમાં ઊંચું રિટર્ન જોવાયું

અમદાવાદ: પાછલાં કેટલાંક વર્ષનો ડેટા જોઇએ તો સામાન્ય રીતે એવું જોવાતું હોય છે કે સોનામાં વાર્ષિક ૨૦ ટકા રિટર્ન મળતું હોય છે, પરંતુ આ વખતે અલગ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક વર્ષમાં સોનામાં માત્ર ૧૪.૪૪ ટકાનો સુધારો થતો જોવા મળ્યો છે. તો બીજી બાજુ શેરબજારમાં માત્ર ૬.૬૬ ટકાનો સુધારો નોંધાયો છે. તેની સામે ચાંદીમાં ઊંચું એટલે કે ૧૭ ટકા જેટલું રિટર્ન મળ્યું છે. છેલ્લા એક વર્ષમાં ચાંદીમાં પ્રતિકિલોએ ૬૩૦૦થી વધુનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે.

દરમિયાન ડોલરમાં રોકાણ કરનારાઓને પણ નિરાશાજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે. છેલ્લા એક વર્ષમાં ડોલરમાં રોકાણ કરનારને માત્ર ૨.૦૪ ટકા જેટલું રિટર્ન મળ્યું છે. સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે સોના કરતાં ચાંદીમાં મોટી ઊથલપાથલ થતી જોવા મળી છે. ઔદ્યોગિક ક્ષેત્રે ચાંદીના વધતા જતા વપરાશના પગલે ઘટાડે ચાંદીની બમ્પર માગને પગલે ચાંદીમાં ઉછાળો નોંધાયો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સેન્ટિમેન્ટ જોતાં સોના કરતાં ચાંદીમાં હજુ પણ સુધારાની વધુ શક્યતા જોવા મળી રહી છે. એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે રોકાણોના અન્ય વિકલ્પો સામે સોનામાં અપેક્ષા મુજબનું રિટર્ન નહીં મળતું હોવાના કારણે સોનામાં રોકાણરૂપી ખરીદીનું આકર્ષણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. તેની અસર બજારમાં જોવા મળી રહી છે. તો બીજી બાજુ ચાંદીમાં જોવા મળેલા ઝડપથી ઉછાળાના પગલે રોકાણકારોમાં ચાંદીમાં રોકાણ કરવું આકર્ષણ બન્યું હોવાનો મત સ્થાનિક બુલિયન બજાર દ્વારા વ્યક્ત કરાયો છે.

You might also like